Mysamachar.in-રાજકોટ:
ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રવિવારે અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી. નવસારી અને વલસાડ જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. મંગળવાર સવારે રાજકોટની સ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે. સવારે બે કલાકમાં જ બે ઇંચથી વધારે વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ થઈ રહ્યાં છે, જ્યાં 6 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરમાં ભારે વરસાદને પગલે પોપટપરામાં ઘરમાં પાણી ઘૂસ્યાં હતાં અને લોકો પહેલા માળે જતા રહ્યા હતા.આવી જ સ્થિતિ કેટલાય વિસ્તારોમાં જોવા મળી હતી
આ ઉપરાંત લલુડી વોકળીમાં રસ્તા નદી બન્યા હતા જેને પગલે વાહનો ડૂબ્યાં હતાં અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે, ગત રાતથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા.