ગુજરાતના વાલીઓનું આર્થિક અને માનસિક શોષણ અટકાવવા શિક્ષણમંત્રીને રજુઆત

ગુજરાત શિક્ષણવિભાગને વાલીઓના ફાયદામાં કામ કરવા અને ન કરી શકે તો

ગુજરાતના વાલીઓનું આર્થિક અને માનસિક શોષણ અટકાવવા શિક્ષણમંત્રીને રજુઆત
symbolic image

Mysamachar.in-જામનગર

ગુજરાતમાં જયારે સરકાર અને શિક્ષણ વિભાગ ખાનગી શાળાઓના એજન્ટ સ્વરૂપે કામ કરી રહી હોય ત્યારે કોવીડ 19ની મહામારીની પરિસ્થિતિમાં એક બાજુ લોકોની આવક ઘટી ગઈ છે. વેપાર રોજગારને માઠીઅસર પહોંચી છે ત્યારે સામાન્ય માણસ માટે શાળા ચાલુ ન હોય શાળાની ફી ભરવી કપરી બની રહી છે. ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ એવી છે કે ખુદ સરકારી શાળાઓના શિક્ષકો પણ પોતાના બાળકોને ત્યાં ભણાવતા નથી. ગુજરાતની જનતા ગુજરાતના વાલીઓએ શિક્ષણમંત્રીને મત આપી ગુજરાતની જનતા માટે ત્યાં બેસાડ્યા છે ત્યારે શિક્ષણમંત્રી અને સમગ્ર શિક્ષણવિભાગ ખાનગી શાળાઓના એજન્ટ બની ગુજરાતના વાલીઓનું આર્થિક અને માનસિક શોષણ કરી રહ્યા હોય તેવું લાગે છે.

એફ.આર.સી પણ એક તુત કે નાટક બની રહ્યું છે. આવા સમયે શિક્ષણવિભાગ માત્ર અને માત્ર વાલીઓની તરફદારી કરી વાલીઓ તરફે નીતિ બનાવે તેવી રજુઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણમંત્રીને જાણવામાં આવ્યું છે કે જો તેઓ અને શિક્ષણવિભાગ વાલીઓની તરફેણ માટે કામ કરવા સક્ષમ ન નીવડી શકે તો એ જવાબદારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સોંપવા કામગીરી નિભાવવાની તત્પરતા દાખવી રહ્યા છે તેવું પણ જણાવેલ છે. એકન્દરે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત શિક્ષણવિભાગને વાલીઓના ફાયદામાં કામ કરવા અને ન કરી શકે તો આમ આદમી પાર્ટીને જવાબદારી સોંપી દેવા ચેલેન્ઝ કરેલ છે.

સરકારી શાળાઓનો વહીવટ ખાડે ગયો છે, વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા માટે લાચાર બન્યા છે. આ બાબતનો ફાયદો ગુજરાતના ખાનગી શાળા સંચાલકો ઉઠાવી રહ્યા છે. શાળા ચાલુ ન હોય છતાં પુરી ફી વસુલવામાં આવી રહી છે. વળી ફરિયાદ કરે તો તે બાબતે આંખ આડા કામ કરાવમાં આવી રહ્યા છે. શિક્ષણવિભાગ જાણે ખાનગી શાળાઓનું એજન્ટ હોય એવી રીતે ગુજરાતમાં વર્તી રહ્યું છે ત્યારે જામનગર આમ આદમી પાર્ટીના આશિષ કંટારીયા દ્વારા શિક્ષણમંત્રી, જામનગર જિલ્લા કલેકટર, તથા જિલ્લા શિક્ષણાધિકારીને ઈ-આવેદન આપવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યમાં શાળા સંચાલકોને બેફામ છૂટ અને શિક્ષણ વિભાગ, શિક્ષણમંત્રી સહીતની કાબુ બહાર, મનસ્વી થઇ શાળા સંચાલકો ગુજરાતના ભાવિ સમા બાળકોના વાલીઓ પાસે થી ગેરવાજબી ધોરણે ફી વસૂલી રહ્યા છે. એફ.આર.સી મોડલ પણ માત્ર શાળા સંચાલકોની તરફદારી માં કામ કરી રહ્યું છે. આ સમયે ગુજરાત રાજ્યની તમામ નોન - ગ્રાન્ટેડ શાળાઓ સુવાચ્ય અક્ષરોમાં ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, ઇત્યાદિ ફી ના વર્ગકરણની વિગતો શાળાના નોટિસ બોર્ડ પર દરેક વાલીઓ જઈ વાંચી શકે તેવી જગ્યા એ લગાવે તથા નીચે અનુસાર નિયમોનું પાલન કરે તેવી જનહિતમાં રજુઆત કરવામાં આવી છે.

- દરેક શાળા માસિક ધોરણે જ ફી વસુલે.

- દરેક શાળા પાસે એક જ બેન્ક એકાઉન્ટ હોય, અને ફી તેમાં જ સ્વીકારે.

- દરેક શાળા રાષ્ટ્રીયકૃત બેન્કમાં જ બેન્ક એકાઉન્ટ ખોલાવે, જેથી બેન્કિંગમાં કોઈ નિયમો નું ઉલ્લંઘન ન થાય તથા બેલન્સ રહેરી રકમ દેશના વિકાસમાં તથા રાષ્ટ્રીયકૃત બેન્કના વિકાસ અર્થે કામ આવી શકે.

- જે મહિને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે, તે મહિના ની માત્ર ટ્યુશન ફી જ વસુલવામાં આવે.

- જે મહિને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે, અથવા જેટલા મહિના ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે એટલી જ, અને એટલા દિવસો કે મહિનાની પુરી ફી વસુલવામાં આવે. સંપૂર્ણ વર્ષની સંપૂર્ણ ફી ન વસૂલવા અને તેની કડક અમલવારી કરાવવી.

- સરકારી શાળાઓમાં પૂર્ણ શિક્ષકોનો સ્ટાફ ભરતી કરવો. તથા તમામ સરકારી ગ્રાન્ટેડ શાળાઓની ઓનલાઇન એડમિશન પ્રકિયા થઇ શકે તેવી વ્યસ્થા ઉભી કરવી. જે સુવિધા સામાન્ય સ્તરની ખાનગી શાળાઓ પ્રદાન કરે છે, તેવી જ સુવિધાઓ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ બને તેવી તજવીજ કરવી.

- જરૂર પડ્યે ખાનગી શાળાનું સંચાલન સરકાર હસ્તક લઇ, ગ્રાન્ટેડ શાળામાં પરિણમિત કરવા નીતિ ઘડવી.

- ઉપરોક્ત નીતિનિયમોનો ભંગ કરનાર શાળા વિરુદ્ધ પુરાવા સાથે ફરિયાદ આવે તો એક આઈ.એ.એસ અધિકારીના નેતૃત્વમાં સમિતિની રચના કરી 24 કલાકમાં ફરિયાદ મુદ્દે પક્ષકારો ને સાંભળી ન્યાય મળી રહે તેવી વ્યસ્થા ઉભી કરવી.

- એફ.આર.સી ની કામગીરી પારદર્શી બનાવી, દરેક શાળાએ કરેલ રજુઆત, જાહેર કરેલ ખર્ચ સુવિધાના હિસાબો અને જેના આધારે એફ.આર.સી શાળાની ફી ના દર ને વ્યાજબી ઠરાવે છે, તે તમામ ડોક્યુમેન્ટ અને વિગતો વેબસાઈટ પર સાર્વજનિક કરી રાખવા વિંનતી કરીયે છીએ.

- દરેક ખાનગી (ગ્રાન્ટેડ એન્ડ નોન ગ્રાન્ટેડ) શાળાના શિક્ષકોના ક્વોલિફિકેશન સરખા હોય તેનું ચુસ્ત મોનીટરીંગ ની જવાબદારી ડીસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસરને સોંપવું, અને તેમાં કોઈ ગડબડી, બેદરકારી, નઝર અંદાજિ જણાય તો 24 કલાકમાં ડી.ઈ.ઓ વિરુદ્ધ કડક પગલાં લેવા વ્યસ્થા ગોઠવવી.

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ શાળા સંચાલકો માટે નથી પણ ગુજરાતના ભાવિ અને હાલ અભ્યાસ કરી રહેલ વિધાર્થીઓ તથા ગુજરાત ની જનતા એવા વાલીઓ ના હિત અર્થે કાર્યભાર સાંભળી રહીયુ હોય, ઉપરોક્ત ભલામણને ધ્યાને લઇ કડક, ત્વરિત અમલવારી કરવા સૂચન છે. જેથી ગુજરાતમાં સતત 365 દિવસ વાલીઓનું આર્થિક અને માનસિક શોષણ અટકે તેવા ભગીરથ પ્રયાસો સાથે આમ આદમી પાર્ટી દ્વારા આ રજુઆત કરવામાં આવી રહી છે.