આજથી શરૂ થતી ચિંતનશિબિરમાં, આ પાંચ મુદ્દાઓ પર વિચારવલોણું...

રાજયની સ્થાપનાનાં 63 વર્ષ પછી પણ, શિબિરનો એજન્ડા 'રૂટિન' !

આજથી શરૂ થતી ચિંતનશિબિરમાં, આ પાંચ મુદ્દાઓ પર વિચારવલોણું...
File image

Mysamachar.in:નર્મદા

શિબિર જો કે સામાન્ય શબ્દ છે પરંતુ ચિંતન ખૂબ જ ભારેખમ શબ્દ છે. રાજ્યનાં નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ, આજથી ત્રણ દિવસ કશું કામ નહીં કરે પરંતુ કામ કેવી રીતે કરવું જોઈએ ? અને કામ કયા કયા મુદ્દાઓ પર થવું જોઈએ ? એ અંગે ચિંતન કરશે. થોડાં થોડાં વર્ષે આ પ્રકારનું ચિંતન થતું રહે છે, પછીનાં દિવસોમાં સરકાર એટલે કે અધિકારીઓ અને કર્મચારીઓ તથા નેતાઓ સૌ ઘરેડ મુજબનાં કામોમાં વ્યસ્ત થઈ જાય છે - બીજી ચિંતનશિબિર ન યોજાય ત્યાં સુધી.

આજે 19 મે થી 21 મે સુધી - સતત 72 કલાક વિચાર વલોણું થશે. જેને અંગ્રેજીમાં બ્રેઈન સ્ટોર્મિગ કહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ મહાનુભાવો આ ચિંતનમુદ્રા ધારણ કરશે. આ મનોમંથનમાં પાંચ મુદ્દા મુખ્ય છે : આરોગ્ય અને પોષણ - શહેરીકરણ અને માળખાકીય વિકાસ - સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓ માટે કર્મચારી તાલીમ અને ક્ષમતાનિર્માણ - શિક્ષણમાં ગુણાત્મક સુધારો અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ. આ ચિંતનશિબિર રાજયની દસમી શિબિર છે. (આ પહેલાંની નવ શિબિરમાં જે એજન્ડા હતાં, તેમાં આપણે શું પરિણામો મેળવ્યા ? એ પણ અત્રે ચિંતનીય મુદ્દો લેખાવી શકાય). આ શિબિર આજે બપોરે ચાર વાગ્યે પ્રારંભ પામશે - રાજ્યનાં મુખ્ય સચિવનાં પ્રાસંગિક ઉદબોધનથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ શિબિરનો પ્રારંભ કરાવશે.

આ શિબિરમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યનાં મંત્રીઓ, રાજ્યનાં ઉચ્ચ અધિકારીઓ, મુખ્યમંત્રીનાં સલાહકારો, જિલ્લાઓનાં કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મહાનગરોના મ્યુ. કમિશનરો અને સરકારનાં વિવિધ વિભાગોનાં અધિકારીઓ એમ કુલ 230 થી 250 જેટલાં લોકો ઉપસ્થિત રહેશે. અને ઉપરોક્ત પાંચ મુદ્દાઓ પર ચર્ચા કરશે, પ્રવચન આપશે અને ચર્ચા સાંભળશે.

મુખ્યમંત્રી અને નાણાંમંત્રી શિબિરનું ઉદઘાટન કરશે. અને સંબોધન પણ કરશે. સાંજે પાંચ વાગ્યે ડો. હસમુખ અઢિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય આપશે. સાંજે 06/30 કલાકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આવેલાં પરિવર્તન અને પડકારો અંગે ચર્ચા થશે. રાત્રે આઠ વાગ્યે ડીનર અને બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ. આવતીકાલે 20મીએ યોગથી સેશનની શરૂઆત થશે. બાદમાં નિષ્ણાત વક્તવ્ય અને પછી પાંચ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા. 21મીએ મુખ્ય કાર્યક્રમ તરીકે પાંચ મુદ્દાઓ પરની ભલામણો અંગે પ્રેઝન્ટેશન રજૂ થશે. અને બપોરે બે વાગ્યે શિબિરનું સમાપન થશે.

જાણકારો અને વિશ્લેષકો માને છે કે, શિબિરમાં સામાન્ય મુદ્દાઓ પરથી ઉપર ઉઠવાની આવશ્યકતા છે. અને, શિબિર સમાપન પછી સમગ્ર રાજ્યમાં વહીવટી અને નીતિગત ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન , ક્રાંતિકારી નિર્ણયો અને ઈનોવેટિવ પહેલ નાં દર્શન થાય, તે અપેક્ષિત લેખાય.