ખાણ ખનીજ સહિતના તંત્રોની રેતીચોરીમાં મીઠી નજર છતી થઇ, સ્ટેટ મોનીટરીંગ સેલ આવીને છાપો મારી ગયું 

કરોડો રૂપિયાનો મુદામાલ જપ્ત 

ખાણ ખનીજ સહિતના તંત્રોની રેતીચોરીમાં મીઠી નજર છતી થઇ, સ્ટેટ મોનીટરીંગ સેલ આવીને છાપો મારી ગયું 

Mysamachar.in-જામનગર 

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના વિસ્તારમાં અલગ અલગ સ્થળોએથી દિવસ રાત બેફામ રેતીની ખનીજચોરી લગત તમામ તંત્રોની મીઠી નજર હેઠળ અને રાજકીય આકાઓના પીઠબળથી કરવામાં આવી રહી છે, આ રેતીચોરીને કારણે કેટલીય વખત હુમલાના બનાવો, હત્યાના ફાયરીંગના બનાવો પણ સામે આવ્યા છે, પણ "સૌનો સાથ સૌને ફાયદા" નું સૂત્ર અપનાવી જામનગર ખાણ ખનીજ વિભાગ સહિતના તંત્રની મીઠી નજર હેઠળ આ રીતે દિવસ રાત રેતીચોરી કરવી શક્ય નથી ત્યારે સ્થાનિક તંત્રના થાબણ ભાણા વચ્ચે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ આ વિસ્તારમાં આવી રેઇડ કરી અને કરોડો રૂપિયાનો મુદ્દામાંલ જપ્ત કરતા સ્થાનિક તંત્રનું નાક કપાઈ ગયું છે.

જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનની હદમાં બાદનપર ગામની સીમમાં આવેલ ઉંડ 02 નદીના કિનારે તથા બદનપર ગામની સરકારી જગ્યાએ ગેરકાયદેસર રેતી ખનન તથા વહન અંગે રેઈડ કરી, કુલ રૂપિયા 2,34,49,505/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને બાતમી હકિકત મળેલ કે, “અમુક માણસો જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાદનપર ગામની સીમમાં ઉંડ-02 નદીના કિનારેથી રેતી કાઢી, બે લોડર દ્વારા ડમ્પરો તેમજ ટ્રેક્ટરોમાં બાદનપરની સરકારી જગ્યામાં ભેગી કરી, કોઈ ખાણ-ખનીજ વિભાગની લીઝ કે મંજુરી લીધા વગર બેફામ રેતી ચોરી કરી રહેલ છે." તે માહિતી આધારે રેઈડ કરતાં મોટાપાયે ખનીજચોરી કરતા તત્વો હાથ લાગતા ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોની મિલીભગત છતી થઇ જવા પામી છે.

-સ્થળ ઉપરથી આ મુદ્દામાલ જપ્ત 

2 લોડર, કિં.રૂ.14,00,000

ડમ્પર વાહનો નંગ-07, કિં.રૂ.2,10,00,000

-એક ડમ્પર વાહનમાં ભરેલ સાદી રેતી(ખનીજ) 47.900 મેટ્રીક ટન કિં.રૂ.16,286,

ટ્રેક્ટર નંગ-02, કિં.રૂ.10,00,000, બન્ને ટ્રેક્ટરોમાં ભરેલ સાદી રેતી(ખનીજ) 10,720 મેટ્રીક ટન, કિં.રૂ.3644

મોટર સાયકલ વાહન નંગ-01, કિં.રૂ.25,000  એન્જીન ઓઈલની 20 લીટરની ડોલ નંગ-03, કિં.રૂ.4575 તથા ગેરકાયદેસર રેતી વેચાણ બાબતે ટ્રેક્ટર વાઈઝ કરેલ ફેરાનો હિસાબ લખેલ એક ચોપડો વિગેરે મળી કુલ રૂપિયા 2,34,49,505 નો મુદ્દામાલ કબ્જે કરી, જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશન આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે.

-આફ્ટર શોક એવા પડ્યા કે પીએસઆઈની તત્કાલ બદલી 
જોડીયામાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેઇડને પગલે જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા જોડિયા પીએસઆઈ ડી.પી.ચુડાસમાની તત્કાલ અસરથી બદલી કરી અને તેમને સીટી સી ડીવીઝનમાં મૂકી દેવામાં આવ્યા છે, તો જોડિયા પીએસઆઈ તરીકે કે.આર.સીસોદિયાને મુકવામાં આવ્યા છે.