વહીવટ કરવા અસમર્થ ખીમરાણા ગ્રામ પંચાયતનું વિસર્જન કરતા રાજ્યના વિકાસ કમિશ્નર

વહીવટદાર તરીકે વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયતને મુકવામાં આવ્યા

વહીવટ કરવા અસમર્થ ખીમરાણા ગ્રામ પંચાયતનું વિસર્જન કરતા રાજ્યના વિકાસ કમિશ્નર

Mysamachar.in-જામનગર

જામનગર નજીક આવેલ જામનગર તાલુકાની ખીમરાણા ગ્રામ પંચાયત વહીવટ કરવા અસમર્થ હોય રાજ્યના વિકાસ કમિશ્નર દ્વારા આ ગ્રામ પંચાયતને વિસર્જન કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જામનગર તાલુકાના ખીમરાણા ગ્રામ પંચાયતનું બજેટ ત્રણ-ત્રણ વાર નામંજુર થયું હતું. ત્યારબાદ વિકાસ કમિશ્નર દ્વારા પણ ઇ-મીટીંગ યોજાયા બાદ વિકાસ કમિશ્નરે ખીમરાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિજયાબેન માંડવીયા સહિત સભ્યોને દૂર કરી ગ્રામ પંચાયતને સુપરસીટ જાહેર કરી હતી. અને ડીડીઓને ખીમરાણા ગ્રામ પંચાયતમાં વહિવટદારની નિમણુંક કરવા આદેશ કરવામાં આવતા આ ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે સી.આર.ભંડેરી વિસ્તરણ અધિકારીને નીમવામાં આવ્યા છે.

ખીમરાણા ગ્રામ પંચાયત સરપંચ પદે વિજયાબેન માંડવીયા દ્વારા ગ્રામ પંચાયતનું બજેટ ત્રણવાર રજૂ કરાયું હતું. પરંતુ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા બજેટ નામંજુર કરાતા મામલો ગાંધીનગર વિકાસ કમિશ્નર સુધી પહોંચ્યો હતો. અને વિકાસ કમિશ્નર દ્વારા ખીમરાણા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો સાથે ઇ-મીટીંગ યોજી હતી. તેમાં પણ સંતોસકારક ખુલાસો રજુ ના કરી શકતા રાજ્યના વિકાસ કમિશ્નર દ્વારા ખીમરાણા ગ્રામ પંચાયત વહીવટ કરવા અસમર્થ હોય આ બોડીનું વિસર્જન કરી વહીવટદારની નિમણુકનો આદેશ જામનગર જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. અને આમ આ ગ્રામ પંચાયત સુપરસીટ થઇ છે.