'10 દિ'માં સરવે કરાશે, જે ખેડૂતોએ વીમો નથી લીધો તેને પણ વળતર મળશે'

કૃષિ પ્રધાનની જાહેરાત

'10 દિ'માં સરવે કરાશે, જે ખેડૂતોએ વીમો નથી લીધો તેને પણ વળતર મળશે'
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અવાર નવાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક બળી ગયા છે, જેના કારણે ખેડૂતો હવે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. સરકાર તરફથી ખેડૂતોની હાલની સ્થિતિને ધ્યાને રાખી ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ કૃષિ મંત્રી આર સી ફળદુએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે જે ખેડૂતોએ વીમો લીધો નથી તેમને પણ નુકસાનીના આધારે વળતર ચૂકવવામાં આવશે, તો વીમા કંપનીઓને કામગીરી ઝડપી કરવાનું કહેવામાં આવ્યું છે. વીમા કંપની 10 દિવસમાં સરવેની કામગીરી પૂર્ણ કરશે.

ફળદુએ જણાવ્યું કે આ વર્ષે રાજ્યમાં 144 ટકા વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે ખેડૂતો ખુશ હતા, પરંતુ માવઠાએ મહેનત પર પાણી ફેરવી દીધું. અનેક સ્થળોએ અતિવૃષ્ટીની સ્થિતિ સર્જાઇ છે, જો કે નુકસાનની ભરપાઇ કરવા પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત ચારેય વીમા કંપની સાથે ચર્ચા કરી સરવેની કામગીરી ચાલુ કરવામાં આવી. આ કામગીરી દરમિયાન વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોની ફરિયાદના ફોન સ્વીકારવામાં આવતા ન હોવાની અનેક ફરિયાદો ધ્યાને આવી છે. એટલું જ નહીં ખેડૂતોને નુકસાનની ફરિયાદ નોંધાવવામાં પણ ખૂબ જ ઓછો સમય ફાળવવામાં આવ્યો છે. આથી સરકારે સૂચના આપી ખેડૂતોની લેખિતમાં પણ ફરિયાદ લેવાની સૂચના આપી છે. તમામ વીમા કંપની સરવે કરીને વળતર ચૂકવશે. એટલું જ નહીં જે ખેડૂતોએ વીમો લીધો નથી તેમના ખેતરનો પણ સરવે કરાશે અને જો 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તો રાજ્ય સરકાર વળતર ચૂકવશે. છેલ્લે તેઓએ કહ્યું કે અત્યાર સુધીમાં સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે.