વાત સાંભળવાને બદલે કર્યું અપમાન, મહેસુલ વિભાગ હડતાલ પર

અચોક્કસ મુદતની હડતાલ

વાત સાંભળવાને બદલે કર્યું અપમાન, મહેસુલ વિભાગ હડતાલ પર

Mysamachar.in-જામનગરઃ

ડિસેમ્બર જાણ કે રૂપાણી સરકાર માટે આકરો હોય તેમ લાગી રહ્યું છે. પહેલા દુષ્કર્મ, ત્યારબાદ બિનસચિવાલયની પરીક્ષાની બબાલ ને હવે કર્મચારીઓની હડતાલનો પ્રશ્નો ઉભો થયો છે. રાજ્યના હેલ્થના કર્મચારીઓ તો હડતાલ પર છે જ તેનો સરકારને કોઇ વાંધો નથી ! હવે મહેસુલ વિભાગના કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી રહ્યાં છે. જો કે હડતાલને ડામવાને બદલે મંત્રીને રજૂઆત કરવા ગયેલા મહેસુલી કર્મચારી મંડળને ઉધ્ધત જવાબ આપી અપમાન કર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અપમાનથી નારાજ મહેસુલી કર્મચારીઓએ આગામી તારીખ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાનું નક્કી કર્યું છે.

જામનગર મહેસુલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું કે ગત 16 સપ્ટેમ્બરે ગુજરાત મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ માંગણીઓ અન્વયે મહેસુલ અધિક મુખ્ય સચિવે હકારાત્મક વલણ દાખવી સત્વરે નિકાલ કરવાની ખાતરી આપી હતી. જો કે તમામ મુદ્દાઓનું આજદીન સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ફરી એકવાર મહેસુલી મંડળ દ્વારા મહેસુલ મંત્રીની મુલાકાત કરવામાં આવી. જો કે આ મુલાકાત દરમિયાન મહેસુલી મહામંડળના હોદ્દેદારોને સાંભળવાની બાબત તો એક બાજુ રહી પરંતુ ઉધ્ધત જવાબ આપી અપમાન કરવામાં આવ્યું છે. આ બાબત કોઇપણ સંજોગોમાં સાખી લેવાય તેમ નથી. જેથી અમારી માંગણીનો નિકાલ ન થાય ત્યાં સુધી અને મહામંડળના અપમાનના વિરોધમાં આગામી 9/12/2019ના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ હડતાલ દરમિયાન મહેસુલી કામગીરી ઉપરાંત કોઇપણ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. તેમજ ખાસ કરીને આગામી 8/12/2019ના રોજ લેવાનારી GPSCની પરીક્ષાનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. એક તરફ મહેસુલી વિભાગની હડતાલથી હજારો પરીક્ષાર્થી હેરાન તો થશે જ સાથે જ ખેડૂતોના મોટાભાગના પ્રશ્નો પણ અટકી પડશે તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ મહેસુલી મહામંડળના હોદ્દેદારો સાથે મહેસુલ મંત્રી દ્વારા કરવામાં આવેલા અધ્ધત વર્તનથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે.