જાણો, ગૃહ વિભાગમાં છેલ્લા 11 વર્ષમાં કેટલા યુવાનો નોકરી પર લાગ્યા

ગૃહમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

જાણો, ગૃહ વિભાગમાં છેલ્લા 11 વર્ષમાં કેટલા યુવાનો નોકરી પર લાગ્યા

Mysamachar.in-ગાંધીનગરઃ

છેલ્લા કેટલાક સમયથી રોજગારી અને સરકારી ભરતીઓની પરીક્ષામાં ગેરરીતિના પ્રશ્નો સળગી રહ્યાં છે, આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે ગૃહ વિભાગમાં છેલ્લા 11 વર્ષમાં 67 હજારથી વધુ જગ્યા પર ભરતી કરી યુવાનોને નોકરી આપવામાં આવી છે. તથા ચાલુ વર્ષમાં પણ લોકરક્ષકમાં 8,135 યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે. આ સિવાય 1,578 જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવશે.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી વિવિધ કેડરની ભરતીઓમાં 20 ટકા વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે. સામાન્ય વહિવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ કેડર માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે, પરંતુ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં એકથી વધુ કેડરની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-2019માં લેવાયેલી પરીક્ષાનું વેઇટિંગ લિસ્ટ બનાવ્યું ન હતું. પરંતુ યુવાનોની રજૂઆત બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વેઇટિંગ લિસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આગામી વર્ષમાં પણ 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.