Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના હાઈવે પર બેફામ દોડતા વાહનોને કારણે એક બાદ એક અકસ્માતના બનાવો સામે આવે છે, અમુક કિસ્સાઓમાં કેટલાક લોકોના જીવ જાય છે તો કેટલાક કિસ્સાઓમાં ગંભીર ઈજાઓનો લોકો ભોગ બને છે, એવામાં આવી જ વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદ નજીક સામે આવી જ્યાં બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલી રોહીકા ચોકડી નજીક બમ્પ આવતાં ટ્રેલર ચાલકે બ્રેક મારતાં પાછળ આવી રહેલી એસ.ટી.બસ ટ્રેલર પાછળ ઘુસી ગઈ જેને કારણે બસમાં સવાર 7 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં 108 માં બગોદરા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતાં.
ટ્રેલર ચાલકે બગોદરા પોલીસમાં અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં એસ.ટી.બસની એક સાઇડ તૂટી જવા પામી હતી.અને ટ્રેલરને પણ ભારે નુકશાન થવા પામ્યું હતું.અકસ્માત થતાં એસ.ટી.બસમાં સવાર 7 પેસેન્જરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.અને ટ્રેલર ચાલક અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોએ ઇજા પામનાર પેસેન્જરોને એસ.ટી.બસમાંથી બહાર કાઢયા હતાં.