Mysamachar.in:જામનગર
વડાપ્રધાનનાં ગૃહરાજ્ય ગુજરાતની આગામી ચૂંટણીઓ પર સૌની નજર છે. સમગ્ર ગુજરાતમાં જોરશોરથી તૈયારીઓ અને પ્રચાર શરૂ થઈ ચૂક્યા છે. ચૂંટણી પંચે ચૂંટણી પૂર્વેની જરૂરી અને વ્યાપક તૈયારીઓનો ધમધમાટ આદરી દીધો છે. માત્ર 9 જ દિવસમાં બીજી વખત આજથી રાજ્યનાં 2 દિવસનાં પ્રવાસે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ રવિવારે રાત્રે જ ગુજરાત પહોંચી ચૂકી છે. આ વખતની મુલાકાતમાં મુખ્ય ચૂંટણી કમિશનર ખુદ ગુજરાતમાં આવ્યા છે અને તેઓનાં માર્ગદર્શન મુજબ પાંચની આ ટીમ સમગ્ર રાજ્યમાં ચૂંટણી તૈયારીઓની સરકાર સ્તરે સમીક્ષા કરશે અને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ અને સૂચનો આપશે. આ ટીમ 9 સભ્યોની બનેલી છે. આ ટીમ જામનગર સહિતના રાજ્યનાં તમામ જિલ્લાઓના કલેકટર ( જિલ્લાનાં મુખ્ય ચૂંટણી અધિકારી) તથા સંબંધિત પોલીસ કમિશનરો તેમજ જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજશે અને મતદારયાદી સહિતની તૈયારીઓની સમીક્ષા કરશે.
સંવેદનશીલ વિસ્તારો અને ચૂંટણીઓ માટેની માળખાકીય સુવિધાઓ તેમજ સ્ટાફ સહિતની બાબતો પર કેન્દ્રીય ટીમ ફોકસ કરશે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર ચૂંટણી પર્વ સંપન્ન થાય તે માટે તૈયારીઓનો અભ્યાસ કરશે તેમજ આગામી દિવસોમાં કરવાની થતી તૈયારીઓ અંગે રાજ્યના તમામ સંબંધિત તંત્રોને માર્ગદર્શન પૂરું પાડશે. અત્રે નોંધનીય છે કે, વિધાનસભાની આગામી ચૂંટણીને ગુજરાત સહિત દેશભરમાં વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે કેમ કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીનું આ ગૃહરાજ્ય છે અને 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વેના મહત્વનાં ઘટનાક્રમોમાં પણ આ ચૂંટણીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ચૂંટણી પંચ નાં માર્ગદર્શન પ્રમાણે રાજ્યનું ચૂંટણી પંચ છેક જિલ્લા અને ગ્રામ પંચાયતોનાં સ્તરે જરૂરી કામગીરીઓ અને વ્યવસ્થાઓ ગોઠવવામાં વ્યસ્ત છે.