ગુજસીટોક કેસ, જયેશ પટેલ, સુનીલ ચાંગાણી, રમેશ અભંગીને હાજર થવા સ્પેશીયલ કોર્ટનું ફરમાન 

હાલ 12 શખ્સો રાજ્યની જુદી-જુદી જેલોમાં છે.

ગુજસીટોક કેસ, જયેશ પટેલ, સુનીલ ચાંગાણી, રમેશ અભંગીને હાજર થવા સ્પેશીયલ કોર્ટનું ફરમાન 
file image

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર જીલ્લા સહિતના વિસ્તારમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ આણી ટોળકી એક સમયે તેના કારનામાઓને લઈને ભારે ચર્ચામાં રહી હતી, મોટાગજાના લોકો પાસેથી ખંડણી ઉઘરાવવી, જમીન પચાવી પાડવી અને ધાકધમકીઓ  આપવી અપાવવી તથા ફાયરીંગ કરી હત્યાના પ્રયાસ સુધીના ગુનાઓને અંજામ આપી અને જયેશ “ભાઈ” તરીકેનું સ્થાન લઇ રહ્યો હતો, જો કે સરકારે આ મામલે ગંભીરતા દાખવી અને જયેશ પટેલ આણી મંડળીને નાથવા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ચુનંદા IPS અધિકારીઓમાંથી એક એવા એસ.પી દીપન ભદ્રન, IPS એએસપી નીતેશ પાંડેય સહિતની ટીમોને જામનગર ખાતે મોકલી અને જયેશ પટેલ અને તેની ગેંગ ફરતે ગાળિયો મજબુત કરવામાં આવ્યો છે, અને ગુજસીટોકના કાયદા હેઠળ ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો છે, તો જયેશ પટેલ લંડન ખાતે પકડાઈ ગયાનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યું છે, જેની પ્રત્યાર્પણની પ્રક્રિયા હાલ ભારત સરકાર દ્વારા ચાલી રહી છે,


જામનગરમાં નોંધાયેલ આ ગુજસીટોકના ગુન્હામાં સંડોવાયેલ અને લાંબા સમયથી ફરાર રહેલ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને નાસતા ફરતા તેના બે સાગરીતોને રાજકોટ સ્થિત સ્પેશ્યલ કોર્ટ દ્વારા હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. ગુજસીટોકની કાર્યવાહીમાં 12 સાગરીતો હાલ રાજ્યની જુદી જુદી જેલમાં છે, જયારે જયેશ પટેલ અને તેના સાગરીતો રમેશ અભંગી, સુનીલ ચાંગાણી અને મહેશ છૈયા હજુ ફરાર છે.


જેમાં હવે સ્પેશીયલ કોર્ટે ત્રણેય આરોપીઓના સરનામે વોરંટ કાઢ્યા હતા પરંતુ આ વોરંટ શેરા સાથે પરત ફર્યો હતો જે સંબંધે પોલીસે કોર્ટને જાણ કરી હતી. ત્રણેય આરોપીઓ નહી મળતા કોર્ટે સપ્તાહ પૂર્વે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં આરોપી જયેશ મુળજીભાઈ રાણપરીયા, સુનીલ ગોકળદાસ ચાંગાણી અને રમેશ વલ્લભભાઈ અભંગીને દિવસ ત્રીસમાં હાજર થવા ફરમાન કર્યું છે. કોર્ટ દ્વારા ગત સપ્તાહે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને આગામી તા. 12 ઓગસ્ટ સુધીમાં હાજર થઇ જવા ફરમાન કરવામાં આવ્યું છે.