હવે RTOમાં નહીં નીકળે લર્નિંગ લાઇસન્સ, તમારે અહીં જવું પડશે

કામનું ભારણ વધતા લેવાયો નિર્ણય

હવે RTOમાં નહીં નીકળે લર્નિંગ લાઇસન્સ, તમારે અહીં જવું પડશે
RTOની ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમોને લઇને અનેક મહત્વના સુધારા વધારાઓ કરવામાં આવી રહ્યાં છે. લોકો પોતાના વાહનના તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવવા માટે RTO કચેરી દોડી રહ્યાં છે, જેના લીધે કચેરીમાં લોકોની વધુ ભીડ જોવા મળી રહી છે. નવા ટ્રાફિક નિયમોને કારણે આરટીઓમાં કામગીરીનું ભારણ વધ્યું છે તેથી તેને ઘટાડવા માટે સરકારે લર્નિંગ લાઇસન્સની કામગીરી RTO વિભાગથી અલગ કચેરીમાં ખસેડવાનો નિર્ણય લીધો છે.

જો તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું હોય તો ફક્ત આઇટીઆઇમાં (ITI) જ જવું પડશે, આરટીઓમાં હવે લર્નિંગ લાઇસન્સની કામગીરી બંધ થશે. એક સપ્તાહ સુધી હજી આરટીઓમાં આ કામગીરી ચાલુ રહેશે પછી તે આઈટીઆઈમાં કરવામાં આવશે. નવા ટ્રાફિક નિયમોને કારણે આરટીઓમાં કામગીરીનું ભારણ વધ્યું છે તેથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ અંગેની તાલીમ 11 ઓક્ટોબરે ગોઠવી છે જેના કારણે અત્યારે થોડા દિવસ આરટીઓમાંથી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશો. પછી આ કામગીરી આઈટીઆઈમાં થશે. આ માટે આઈટીઆઈને પ્રતિ લર્નિંગ લાઇસન્સ 100 રૂપિયાનું વળતર આપવામાં આવશે. જેમાંથી આઈટીઆઈને ઇન્સ્ટ્રક્ટરનો પગાર ચૂકવવાનો રહેશે.

નવા નિયમ અનુસાર આરટીઓ દ્વારા હવે પછી કોઈપણ વાહનચાલકને જો લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું હશે તો સાથે સાથે ફરજિયાત પાકા લાઇસન્સની ફી પણ ભરી દેવી પડશે. તેના માટે વાહનચાલકે એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પૂરી કરવી પડશે. અત્યાર સુધી લર્નિંગ લાઇસન્સ માટે માત્ર 150 રૂપિયા વાહન ચાલકે ભરવાના થતા હતા, તેની સાથે હવે ફરજિયાત 1050 રૂપિયા પણ ભરી દેવા પડશે. આ નિયમના કારણે હવે પછી લાઈસન્સ કઢાવવા માટે કોઈપણ વાહન માલિક કે વાહનચાલકને રૂ.1050 એક મહિનો વહેલા આપી દેવા પડશે. જો કોઈ પણ વ્યક્તિ પાસે ટુ વ્હીલરનું લાઇસન્સ હશે અને તેને રિક્ષા અથવા તો ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હશે તો જે તે વાહનચાલક કે વાહનમાલિકને આ અંગે લાઈસન્સમાં ઉમેરો કરી અને ટેસ્ટ આપવો પડશે.