એક ગુન્હાનો ભેદ ઉકેલાતા...ક્રાઈમ બ્રાંચ જાણે કાર પાર્કિંગ બન્યું...

આ રીતે ચાલતા રેકેટને પોલીસે ઉઘાડું પાડી દીધું

એક ગુન્હાનો ભેદ ઉકેલાતા...ક્રાઈમ બ્રાંચ જાણે કાર પાર્કિંગ બન્યું...

Mysamachar.in:વડોદરા

વડોદરા ક્રાઈમ બ્રાંચે એક કાર કૌભાંડનો ભેદ ઉકેલી અને 84 કાર કબજે કરતા ક્રાઈમ બ્રાંચ જાણે કાર પાર્કિંગ બની ગયું હોય તેવું લાગ્યું...વાત એવી છે કે કંપનીઓમાં કાર મુકીને ઉંચું ભાડું આપવાની લાલચે મોટી સંખ્યામાં કાર લઇને ફરાર થઈ ગયેલા ગઠિયાએ ગીરવે મુકેલી 119 પૈકી રૂ.5.53 કરોડની 84 કાર 9 દિવસમાં ડીસીબીએ શોધીને જપ્ત કરી છે.

સોમા તળાવ પાસે રત્નદીપ ગ્રીનમાં રહેતા મનીષ અશોક હરસોરાએ કાર ભાડે લઇ કંપનીમાં મુકવાની ઓફિસ ઘરમાં જ શરૂ કરી હતી. મનીષની ગયા મહિનાના અંતે ડીસીબીએ ધરપકડ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.તે પછી પોલીસે વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હરસોરાએ રૂ.7 કરોડની 119 ગાડીઓ અડધી કિંમતે વેચી હતી. જો કે હજુ 35 કાર ડીસીબીએ શોધવાની બાકી છે.

ભેજાબાજ મનીષ હરસોરાએ કરારમાં નક્કી થયા મુજબનું ભાડું ચુકવી પાછળથી બંધ કરતાં કારસ્તાન સપાટી પર આવ્યું હતું. સુરતના કામરેજનો દિપક રૈયાણી મનીષે મોકલેલી કારનો નિકાલ કરી ભાગ પાડી લેતાં હતા. ડીસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે ‘બંનેએ મહારાષ્ટ્રના નંદુરબાર અને ધુલેમાં 8, મુંબઇમાં 6, મહેસાણામાં પણ કાર વેચી હતી અને બાકીની કારો સુરતમાં વેચી હતી. બંને કાર અડધી કિંમતે ગીરોથી વેચતા હતા. બંને ગઠિયાઓ પાસેથી ખરીદેલી કાર 3 જણાંએ બોગસ દસ્તાવેજથી પોતાના નામે કરાવી હોવાનું પણ સામે આવ્યું છે.