Mysamachar.in-જામનગર,દેવભૂમિ દ્વારકા
હાલારના બન્ને જીલ્લોમાંથી પોલીસે મોટીમાત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવા પેઢીને નશાની લત લગાડી ગાંજાનું વાવેતર તથા વેચાણ કરવા સબબ એસ.ઓ.જી.એ ગત રાત્રીના સમયે કડક કાર્યવાહી કરી એક વૃદ્ધને 6.20 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જીલ્લાના એસ.ઓ.જી. ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ. ચાવડા તથા પી.એસ.આઈ. એ.ડી. પરમાર અને સ્ટાફ દ્વારા ગત સાંજે જિલ્લામાં પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા દ્વારકા પંથકમાં પેટ્રોલિંગમાં હતા તે મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ દ્વારા દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા રામેશ્વર વિસ્તારમાં શ્રી રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા બાલુભાઈ રાજાભાઈ ભવાનભાઈ ખાવડીયા નામના 70 વર્ષીય વૃદ્ધના રહેણાંક મકાનમાં મોડી રાત્રીના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળે પોલીસ કાર્યવાહી દરમ્યાન ઉપરોક્ત વૃધ્ધ દ્વારા પોતાના અંગત ફાયદા માટે પોતાના કબજા ભોગવટાના રેણા મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ (ગાંજા) નું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ અંતર્ગત પોલીસે જરૂરી કાર્યવાહી કરી, ઉપરોક્ત દ્વારા વાવવામાં આવેલ ગાંજાના આશરે 56.786 ગ્રામ વજનના અને રૂ. 5,67,860/- ની કિંમત ધરાવતા 43 નંગ લીલા છોડ તેમજ રૂ. 53,140/-ની કિંમતના પાંચ કિલો 313 ગ્રામ સુકો ગાંજો અને રૂપિયા 500ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન પોલીસે કબ્જે કર્યો છે. આમ, રૂ. 6,20,490/- ની કિંમતના 62.049 કિલોગ્રામ ગાંજા સાથે પોલીસે બાલુભાઇ રાજાભાઈ ખાવડીયાની અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબ્જો દ્વારકા પોલીસને સોંપ્યો છે.
તો જામનગરની વાત કરવામાં આવે તો જામનગર એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પીએસઆઈ આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી નાઓના નેતૃત્વવાળી ટીમના રવિભાઈ બુજડ તથા હીતેશભાઈ ચાવડા ને મળેલ ખાનગી બાતમી આધારે કાલાવડ જામનગર રોડ વીજરખી ડેમ પાસેથી બે ઈસમ બાઈક નંબર GJ-10-OF-4716 ઉપર એક પ્લાસ્ટીકની થેલી લઈને આવતા હોય જેને રોકી ચેક કરતા તેમાંથી ગેર કાયદેસર કેફી પદાર્થ ગાંજો 1 કીલો 530 ગ્રામ કી.રૂા. 15300 સાથે અબ્દુલ લતીફ ઓસમાણ સમા, અખ્તર યુસુફભાઈ સુમરા રહે. બન્ને કાલાવડ બન્નેને પકડી કુલ મુદામાલ રૂા. 35,300 સાથે મળી આવતા તેના વિરૂધ્ધ પંચકોષી એ ડીવી પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.