તો શું ધૂળેટીમાં વેચાણ થતા કલર સ્પ્રે ઝેરી હોય છે.? એક બાળકની હાલત થઇ હતી ગંભીર

ઓખામાં દુકાનદારે બેદરકારી દાખવતા નોંધાઈ ફરિયાદ

તો શું ધૂળેટીમાં વેચાણ થતા કલર સ્પ્રે ઝેરી હોય છે.? એક બાળકની હાલત થઇ હતી ગંભીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ઓખા ખાતે એક દુકાનદાર દ્વારા પોતાના કથિત અંગત સ્વાર્થ માટે શરીરને નુકસાનકારક કલર સાથેનો સ્પ્રે રમવા માટે બાળકને વેંચતા બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. આશરે સવા બે માસ પૂર્વેના આ સંદર્ભે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખામાં રહેતા દુકાનદાર નંદલાલભાઈ જેઠાભાઈ સુરજ તથા નરેશભાઈ નંદલાલભાઈ સુરજ દ્વારા ઓખામાં નવીનગરી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ સોમાભાઈ તાવડીવાળાના નવ વર્ષીય પુત્ર મિતરાજને હોળી ધુળેટી રમવા માટે કલર સ્પ્રેની બોટલ આપવામાં આવી હતી. ઉપરોક્ત વેપારીઓ દ્વારા આપવામાં આવેલા આ સ્પ્રેથી ઝેરી અસર થવાના કારણે નવ વર્ષિય બાળક મિતરાજને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે સારવાર આપી રહેલા તબીબો દ્વારા જણાવાયા મુજબ કલરના સ્પ્રેમાં ઝેરી તત્વ હોવાથી બાળકને વિપરીત અસર થઇ હતી. આ બનાવ અંગે બાળકના પિતા ભાવેશભાઈ સોમાભાઈની ફરિયાદ પરથી દુકાનદાર દ્વારા પોતાના અંગત લાભ માટે કલરના સ્પ્રેની બોટલનું વેચાણ કરી, બેદરકારી દાખવવામાં આવતા પોલીસે બંને સામે આઇ.પી.સી. કલમ 284 તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ ઓખા પોલીસ મથકના એ.એસ.આઈ. બી.એસ. સુરાણી દ્વારા હાથ ધરવામાં આવી છે.