તો...જામ્યુકો અને જિલ્લા પંચાયતમાં "માનીતા" વહિવટદાર મુકાશે?

જો  ચુંટણી પાછી ઠેલાય તો નવી કવાયત થશે

તો...જામ્યુકો અને જિલ્લા પંચાયતમાં "માનીતા" વહિવટદાર મુકાશે?
symbolic image

Mysamachar.in-જામનગર

રાજ્યની મહાનગરપાલિકાઓની ડિસેમ્બરમાં ડ્યુ થઈ રહેલી ચૂંટણી પાછી ઠેલીને એપ્રિલ 2021 માં યોજવામાં આવી શકે છે, ત્યાં સુધી વહીવટદારનું શાસન આવી શકે છે,.સુત્રોએ આપેલી માહિતી મુજબ મહાપાલિકાની ચૂંટણી 2020માં નહીં યોજાય પણ એપ્રિલ 2021માં આવી શકે છે.કોરોના કહેર વચ્ચે આ નિર્ણય લેવાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. આ કપરાકાળમાં આ 3 શહેરોમાં ચૂંટણી કરવી શક્ય નથી અને માત્ર એકાદ બે મહાનગરપાલિકાની ચૂંટણી કરી ન શકાય તેથી મહાપાલિકાની ચૂંટણી 2021માં એપ્રિલમાં યોજાશે. ગુજરાતભરમાં કોરોના કહેરના કારણે સમયસર ચૂંટણી યોજવી મુશકેલ બની શકે છે. જો કે આખરી નિર્ણય ચુંટણીપંચ કરી શકે છે.

કોરોનાની મહામારી માં  તમામ આયોજનો અસ્તવ્યસ્ત થઇ ગયા છે ત્યારે જો મહાપાલીકા અને પંચાયતોની ચુંટણીઓ સમયસર ન યોજાય તો વળી નવી કવાયત આદરવી પડશે અને તેના ભાગરૂપે "માનીતા" વહીવટદાર મુકાય તે પણ ચોક્કસ લોબીએ જોવુ પડશે જામનગર જિલ્લામાં વર્ષના અંતમાં કોર્પોરેશન તેમજ જિલ્લા પંચાયતની ઉપરાંત તાલુકા પંચાયતોની ચૂંટણી કરવાની થાય છે દરમિયાન કોરોના મહામારીની આફત આવી પડતા લગભગ જામનગર જિલ્લામાં ચૂંટણી ન યોજાય તેવી શકયતાઓ વચ્ચે વહિવટદાર નિમવાથી માંડીને હાલના હોદેદારોને વધુ મુદત આપવા સુધીની શકયતા દર્શાવામાં આવી રહી છે.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગુજરાતમાં ડિસેમ્બર-2020માં જામનગર સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશન, 55 નગરપાલિકા, 31 જિલ્લા અને 230 તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થાય છે. રાજ્યમાં કોવિડ-19ના ચેપની સ્થિતિ દિવસેને દિવસે બદથી બદતર થઇ રહી છે. આગામી સમયમાં ચેપનું જોખમ વધે તો નિયમિત ચૂંટણીને બદલે સરકાર પાલિકા-પંચાયતોમાં વહિવટદાર મૂકી શકે તેવી શકયતા દર્શાવામાં આવી રહી છે.વધુમાં કોવિડ-19 મહામારી પછી સરકારનું ફોકસ આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીએ સંદર્ભે રહેશે અને ગાંધીનગર વર્તુળોમાં થતી ચર્ચા મુજબ જીએડીએ રજીસ્ટ્રી ઓપન કરતા હવે ફાઇલોમાં કોરોના વાઇરસ કરતા ચૂંટણીનો ચેપ વધુ જોવા મળશે.

ચાલુ નાણાકીય વર્ષે સરકારનું બજેટમાં પણ શહેરી-ગ્રામ્ય મતદારોને આકર્ષવા ચૂંટણીલક્ષી આયોજનો હતા.લોકડાઉનને કારણે બે મહિનાથી સચિવાલયમાં માત્ર આરોગ્ય, ગૃહ, અન્ન નાગરિક પુરવઠા, પાણી પુરવઠા જેવા આવશ્યક સેવા હેઠળના વિભાગોમાં જ કામ ચાલુ રહ્યુ છે,જોકે, હવે સ્થાનિક ચૂંટણીને ફોકસમાં રહેલી યોજનાઓના અમલ માટે પણ વહિવટી નિર્ણય પ્રક્રિયા ફાસ્ટટ્રેક પર મૂકવા સૂચનાઓ શરૂ થઇ જવા પામી છે. અને સચિવાલયમાં કામકાજનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે વધુમાં જીએડી, રાજ્ય ચૂંટણી આયોગ સાથે જોડાયેલા ટોચના સુત્રો મુજબ કોવિડ-19ને કારણે સ્થિતિ વણસે તો ડિસેમ્બરમાં જે પાલિકા-પંચાયતોની મુદત પૂર્ણ થાય છે ત્યાં સરકાર કલેકટર ને  કે સરકારમાંથી કોઇને વહિવટદાર તરીકેની નિમણૂંક કરી શકે તેમ છે. જે તે સમયની જરૂરિયાત મુજબ ચૂંટાયેલી પાંખને કેર ટેકર તરીકે મુદ્દત આપી શકાય કે કેમ તે સંદર્ભે પણ કાયદાકીય ઉકેલ શોધવામાં મથામણ કરવામાં આવી રહી છે.

વધુમાં જામનગર મહાનગર પાલિકાની મુદત ઓકટોબરમાં પુર્ણ થાય છે અને હાલમાં ભાજપનું શાસન છે. જ્યારે જિલ્લા પંચાયતની 20 ડિસેમ્બરના રોજ મુદત પુર્ણ થાય છે અને કોંગ્રેસનું શાસન છે. ઉપરાંત જોડિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, ધ્રોલ અને કાલાવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી બળવો થતાં ભાજપનું શાસન છે તેમજ લાલપુર અને જામજોધપુર તાલુકા પંચાયતમાં અને જામનગર તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે. જ્યારે જામજોધપુર, કાલાવડ, સિક્કા, ધ્રોલ, નગરપાલિકામાં ભાજપનું શાસન છે.આમ કોરોનાની પરિસ્થિતિ વકરે તો ચૂંટણી યોજવા પર અસર પડે તેવી આશંકાના આધારે  આ ચૂંટણીઓ પણ મુલત્વી રાખવામાં આવે તેવો વિચાર ચાલી રહ્યો છે.પરંતુ પ્રશ્ર્ન એ છે કે શહેર અને જિલ્લામાં ચોક્કસ રાજકીય જુથોના પથારાઓ હોય તે સચવાય રહે તેમજ વહીવટદાર શાસનમાં ચોક્કસ આગેવાનો ના " હિત" જળવાય તે જરૂરી હોઇ માનીતા વહીવટદાર મુકાય તે માટે નો સળવળાટ શરૂ થાય તે સ્વાભાવિક છે