ગુજરાતમાં જામનગર-દ્વારકા-ઓખા અને પોરબંદરનાં દરિયાકિનારે મળતી ડોલ્ફિન અને શાર્કની દાણચોરી !!

દેશનાં વિવિધ રાજ્યોનાં 10 માછીમારો પોરબંદરનાં દરિયાકાંઠેથી 22 ડોલ્ફિન અને 4 શાર્ક સાથે ઝડપાઈ ગયા.....

ગુજરાતમાં જામનગર-દ્વારકા-ઓખા અને પોરબંદરનાં દરિયાકિનારે મળતી ડોલ્ફિન અને શાર્કની દાણચોરી !!

Mysamachar.in:પોરબંદર

ભારતીય કોસ્ટગાર્ડ અને વનવિભાગની સંયુક્ત ટીમે પોરબંદરનાં દરિયાકિનારેથી એક એવી ગેંગને ઝડપી લીધી છે જે દરિયામાં છડેચોક ડોલ્ફિન અને શાર્ક નામની, ઓછી ઉપલબ્ધ, માછલીઓનો શિકાર કરી રહી હતી ! આ માછલીઓની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત બહુ ઉંચી હોય છે કેમ કે તેનાં શિકાર પર પ્રતિબંધ છે.

ગુજરાત વનવિભાગની વાઈલ્ડ લાઈફ બ્રાન્ચે ભારતીય કોસ્ટગાર્ડને સાથે રાખી આ ઓપરેશન કર્યું છે. કુલ 10 માછીમારો ઝડપાયા છે જેઓ તામિલનાડુ, આસામ અને કેરળ વગેરે રાજ્યોમાંથી છેક અહીં આવી આ પ્રકારની પ્રતિબંધિત માછીમારી કરી રહ્યા હતાં ! આ દાણચોર અને શિકારી ગેંગના કબજામાંથી સતાવાળાઓએ કુલ 22 ડોલ્ફિન અને 4 શાર્ક કબજે લીધી છે. આ ઓપરેશન બુધવારે સાંજે પાર પાડવામાં આવ્યું અને ગુરૂવારે સાંજે ભારતીય કોસ્ટગાર્ડ સતાવાળાઓએ આ ઓપરેશનની વિગતો જાહેર કરી.

અત્રે નોંધનીય છે કે, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ(હાઈલી પ્રોટેકટેડ પ્રજાતિઓ)નાં શેડયૂઅલ વન માં ડોલ્ફિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝરવેશન ઓફ નેચર દ્વારા પણ ડોલ્ફિન માછલીને રક્ષિત જાહેર કરવામાં આવી છે. અને તેથી WP એકટ હેઠળ તેનાં શિકાર પર કડક પ્રતિબંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આટલો લાંબો દરિયાકિનારો છે જે પૈકી માત્ર જામનગર, દ્વારકા, ઓખા અને પોરબંદરનાં દરિયાકિનારે જ ડોલ્ફિન જોવા મળે છે. આ શિકારી ગેંગના માછીમારો અંગેની ગુપ્ત માહિતી સૌ પ્રથમ કોસ્ટગાર્ડને મળી હતી ત્યારબાદ તેઓએ વાઈલ્ડ લાઈફ સતાવાળાઓને આ અંગે માહિતી આપી અને ત્યારબાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. પોરબંદરનાં દરિયાકિનારાથી 12 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટ પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટગાર્ડ સતાવાળાઓએ જોયેલી અને ત્યારબાદ તે બોટ પર વોચ રાખી, વનવિભાગની ટીમને તૈયાર કરી લેવામાં આવી હતી.

ગુજરાત વાઈલ્ડ લાઈફનાં મુખ્ય અધિકારી આરાધના સાહુએ જણાવ્યું હતું કે, આ ડોલ્ફિન અને શાર્કનો શિકાર કરવા પાછળ આ શખ્સોનો હેતુ શું હતો ? તેની તપાસ ચલાવવામાં આવી રહી છે અને આ ઉપરાંત આ ગેંગ કોઈ આંતરરાષ્ટ્રીય સંપર્કો ધરાવે છે કે કેમ ? તેમ જ ભૂતકાળમાં આ ગેંગ દ્વારા આવી કોઈ ખેપ થઈ છે કે કેમ ? વગેરે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી છે.