22 મીનીટમાં ATM તોડી તસ્કરો 10 લાખથી વધુ ઉસેડી ગયા

એટીએમમાં ચોરી કરતા સમયે  મોંઢા પર કપડું બાંધીને આવ્યા હતા

22 મીનીટમાં  ATM તોડી તસ્કરો 10 લાખથી વધુ ઉસેડી ગયા

Mysamachar.in-સુરેન્દ્રનગર

બેંકો દ્રારા ગામો ગામ એટીએમની સગવડતા કરવામાં આવી છે. પરંતુ આ એટીએમ મશીનો તસ્કરો અને લુંટારાઓ માટે સરળ ટાર્ગેટ બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામના રસ્તા ઉપર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યાની ઘટના સામે આવી છે, બેંકની માન્ય સી.એમ.એસ કંપનીના કર્મચારીઓએ બેંકમાં રૂ.10,31,500 રૂપીયા ભર્યા હતા. રાત્રે 3.22 મીનીટે ચોર આવ્યા અને માત્ર 22 મિનીટના સમયમાં કટરથી એટીએમ તોડીને રૂ.10.31.500 લઇને પોબારા ભણી ગયા હતા.

બેંકની માન્ય એજન્સી દ્વારા સાંજના સમયે એટીએમમાં રૂપિયા લોડ કરવામાં આવે છે અને તે જ રાત્રે એટીએમ તોડી રૂપિયા 10 લાખથી વધુની ઉઠાંતરી થતાં આ ચોરીના બનાવમાં કોઇ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

સુદામડા ગામે એટીએમ ખાતે શટરનું તાળુ તોડેલી હાલતમાં જોવા મળેલુ હતુ. અને શટર ઉંચુ કરીને જોવામાં એટીએમ તુટેલી હાલતમાં હોવાની સાયલા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે તસ્કરો એટીએમમાં ચોરી કરતા સમયે તો મોંઢા પર કપડું બાંધીને આવ્યા હતા. ત્યારે ચોરી કર્યા બાદ ફરાર થયેલા તસ્કરોને ઝડપી લેવા પોલીસ માટે હવે હાઇવે પર આવેલા સીસીટીવી કેમેરા જ મુખ્ય કડીરૂપ બને તેવી શક્યતા છે. આથી પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા શખ્સો કઇ તરફ ભાગ્યા છે તેની સઘન તપાસ કરવા હાઇવેના સીસીટીવીનો સહારો લીધો છે આમ લાખોની આ ચોરી અંગે પોલીસે શખ્સોને શોધવા તપાસ હાથ ધરી છે.