Mysamachar.in-ગુજરાત
વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ગુજરાતી જેટલા સક્રિય છે એટલા રમતગમત ક્ષેત્રમાં નથી. આ વાત તો સ્વીકારવી પડે એમ છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખતે એક સાથે છ મહિલા ખેલાડીઓ ઓલિમ્પિકમાં ડંકો વગાડવા માટે તૈયાર છે. ત્યારે હવે રાજ્ય સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે. ગુજરાત સરકારે જણાવ્યું કે, રાજ્યની સ્થાપના થયા પછી 60 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર 6 ખેલાડીઓ ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
તા.23મી જુલાઈથી જાપાનની રાજધાની ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક 2021માં ગુજરાતની 6 મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે એક ગૌરવની વાત છે. રાજ્યના મુખ્ય પ્રધાન રૂપાણીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરનારી છ દીકરીઓને રૂ.10 લાખની આર્થિક સહાય કરવાનું એલાન કર્યું છે. વૈશ્વિક સ્તરે આ છ ખેલાડીઓ વધુ આગળ વધે એ માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે. માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં પરદેશની ધરતી ટોક્યોમાં હરીફને ટક્કર આપશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દરેક ખેલાડીઓને રૂ.10 લાખની આર્થિક સહાયની સાથોસાથ વૈશ્વિક સ્તર પર ગુજરાતનું નામ રમત ગમત ક્ષેત્રે પણ તેઓ રોશન કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવી છે. તા. 23 જુલાઈથી શરૂ થઈ રહેલો વૈશ્વિક ખેલ મહાકુંભ ટોક્યો ઓલિમ્પિક્સ તા.8 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યાર પછી તા. 24 ઓગસ્ટથી પેરા ઓલિમ્પિક શરૂ થઈ રહ્યો છે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર દેશની પ્રથમ મહિલા સ્વીમર છે. જ્યારે ભારતની ત્રીજી સર્વશ્રેષ્ઠ સ્વીમર છે. ઈલાવેનિલ ગુજરાતી નથી પણ ગુજરાત કર્મભૂમી બની છે. અમદાવાદમાંથી તેણે શુટિંગ અંગે તાલિમ લીધી છે. તેઓ મૂળ તમિલ છે. એર રાઈફલ્સ શુટિંગમાં ઈલાવેનિલ વર્લ્ડ લેવલની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.