લાખોની ચોરીને અંજામ આપનાર આ છ શખ્સો નેપાળ ભાગવાની તૈયારીમાં હતા પણ...

પૂર્વ અધિક કલેક્ટરના બંગલાને પણ બનાવ્યો હતો નિશાન 

લાખોની ચોરીને અંજામ આપનાર આ છ શખ્સો નેપાળ ભાગવાની તૈયારીમાં હતા પણ...

Mysamachar.in-રાજકોટ:

રાજકોટ શહેરમાં અગાઉ અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા અધિકારી પરિમલ પંડ્યાના એરપોર્ટ રોડ પર આવેલા બંગલામાં ત્રાટક્યા હતા. અને ચોરી કર્યા બાદ 6 ચોરની ટોળકી નેપાળ બોર્ડર તરફ જવા રવાના થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે વૈશાલીનગરમાં ડોકટરના ઘરમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલી રૂ. 4,63,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના એરપોર્ટ રોડ પર વસુંધરા રેસિડેન્સીના બંગલો નં.93માં રહેતાં રાજકોટના પુર્વ અધિક કલેકટર પરિમલ પંડ્યાના બંધ બંગલોમાં ઘુસી તસ્કરો ચાર દિવસ પહેલા રૂ.3,10,000ની મત્તા ચોરી ગયા હતાં.

એ રાતે જ રૈયા રોડ વૈશાલીનગર-5 માં રહેતાં ડોકટર નિરવ નિતીનભાઇ લખતરીયાના ઘરમાંથી રૂ.1,53,000ની ઘરફોડ ચોરી થઇ હતી. ક્રાઇમ બ્રાંચની ટીમોએ આ બંને ચોરી એક જ રાતે થઇ હોઇ એક જ ટોળકી સંડોવાઇ હોવાની શંકાને આધારે સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચેક કરી તેમજ હ્યુમન રીસોર્સીસનો ઉપયોગ કરી તપાસ કરતાં નેપાળી જેવા લાગતાં શખ્સો ચોરીમાં સામેલ હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે શહેરની હોટેલોમાં નોકરી કરતાં અને સોસાયટીઓમાં ચોકીદારી કરતાં નેપાળી શખ્સોની પુછતાછ શરૂ કરી હતી.

ચોરી કર્યા બાદ નેપાળી શખ્સો તેના વતન ભાગી જવાની ફિરાકમાં હોય રાજકોટથી નેપાળ બોર્ડર તરફ જતી બસો ઉપર પણ વોચ રખાઇ હતી. કાલાવડ રોડ સાંઝા ચુલ્હા પાસે અશીમા એપાર્ટમેન્ટમાં ત્રાટકી સુત્રધાર સહિત છ નેપાળી શખ્સોની ગેંગને દબોચી લેવાઇ હતી.ઝડપાયેલા શખ્સોમાં સુત્રધાર સંજય ઉર્ફ બહાદુર અમરસિંગ મહાવીર પરીયાર તથા તેની સાથેના નમરાજ સરફ લુતે ઢોલી, વિક્કીસિંગ જયસિંગ લક્ષમણસિંગ, અભી દલ મહાવીર પરીયાર, રોહન સરફ લુતે ઢોલી તથા મનોજ ખુસમ નાને પરીયારને ઝડપી તેની આગવી ઢબે પૂછપરછ પોલીસ દ્વારા શરુ કરાઈ છે.