બહેનને તેના પ્રેમી સાથે ભાઈ જોઈ જતા બહેને કરી ભાઈની હત્યા

પ્રેમી સાથે મળી હત્યાને આપ્યો અંજામ 

બહેનને તેના પ્રેમી સાથે ભાઈ જોઈ જતા બહેને કરી ભાઈની હત્યા

Mysamachar.in-દાહોદ:

વધુ એક વખત સબંધોની હત્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, આં કિસ્સો રાજ્યના દાહોદમાંથી સામે આવી રહ્યો છે, જ્યાં દાહોદ તાલુકાના ખરોદા ગામે બહેનને તેના પ્રેમી સાથે ભાઈ જોઈ જતા બહેને પોતાના પ્રેમીની સાથે મળી પોતાના સગા ભાઈને માથામાં લાકડીના ફટકા મારી તેનુ કાસળ કાઢી નાખ્યુ હતું. ઉપરાંત પુરાવાનો નાશ કરવાની પણ કોશિષ કરી હતી. પરંતુ પોલીસે ઉલટ તપાસ હાથ ધરી ગુનેગાર બહેનને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ભાઈ બહેનની રક્ષા કરવા હંમેશા તત્પર રહેતો હોય અને બહેનો પણ પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય ત્યાં દાહોદ તાલુકાના ખરોદા ગામના બનાવે દાહોદ શહેર સહિત જિલ્લામાં ચકચાર મચાવી મુકી છે.દાહોદ તાલુકાના ખરોદા ગામે સંગાડા ફળિયામાં રહેતી નિકીતા મુકેશ રાણા અને દાહોદ તાલુકાના મોટીખરજ ગામે રહેતા વિજય મેતાનભાઈ બારીયા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ દરમ્યાન ગત તા. 7મી જાન્યુઆરીના રોજ નિકીતા અને તેના પ્રેમી વિજય એમ બંન્ને જણા ખરોદા ગામે મળ્યાં હતાં. આ દરમ્યાન નિકીતાનો સગો ભાઈ રાહુલ મુકેશભાઈ રાણા પોતાની બહેનને તેના પ્રેમી વિજય સાથે જોઈ ગયો હતો.

જેની જાણ નિકીતા અને તેના પ્રેમી વિજયને થતાં બંન્ને પ્રેમી પંખીડાઓ રાહુલ પાસે ગયાં હતાં. ત્યાં નિકીતાએ પોતાના સગા ભાઈને માથાના ભાગે લાકડી વડે ફટકા મારી લોહીલુહાણ કરી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ નીકિતા અને તેના પ્રેમી વિજયે મૃતક રાહુલની લાશને રોડથી થોડે દુર ફેંકી દઈ લાશ ઉપર ખુનના નીશાન સાફ કરવા પાણી વડે લાશને ધોઈ નાંખી હતી, તેમજ લોહીવાળી થયેલી ઓઢણી બાળી નાંખી હતી. આમ, પુરાવાનો નાશ કરવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો હતો.આ સમગ્ર મામલે રાહુલના પિતા મુકેશ કાંતિભાઈ રાણાને જાણ થતાં તેમણે પોતાની દીકરી નિકીતા અને તેના પ્રેમી વિજય વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક નિકીતાની ધરપકડ કરી હતી. જ્યારે તેનો પ્રેમી વિજય મેતાનભાઈ બારીયા હાલ પણ ફરાર હોવાથી પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.