Mysamachar.in-ગુજરાત:
કેન્દ્રીય બંદર, શીપીંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ 6 માર્ચના રોજ જે.એન.પી.ટી. લિક્વિડ બર્થ જેટીથી શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના પ્રોડક્ટ કેરિયર એમટી સ્વર્ણ ક્રિશ્ના પર “તમામ મહિલા અધિકારીઓના નૌકાયન” ને વર્ચ્યુલી લીલીઝંડી આપી હતી. આ સાથે શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ તેના હિરક જયંતી ઉજવણીના ભાગરૂપે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. વિશ્વના મેરીટાઇમ ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તમામ મહિલા અધિકારીઓ દ્વારા કોઈ જહાજ ચલાવવામાં આવી રહ્યું હોય.
મનસુખ માંડવીયાએ વૈશ્વિક દરિયાઈ સમુદાયમાં ભારતીય રાજદૂત તરીકેની ભૂમિકા ભજવનારી અને રાષ્ટ્રને ગૌરવ અપાવનારી મહિલા સાગરખેડૂઓના યોગદાન અને બલિદાનને સ્વીકાર્યું હતું. એસસીઆઈના સીએમડી એચ.કે.જોશીએ દરિયાઈ ક્ષેત્રે સંપૂર્ણ પરિવર્તનની અનુભૂતિ માટે એસસીઆઈના અવિરત પ્રયાસોની વાત કરી હતી. તેમણે કહ્યું કે એસીઆઈએ એવી સાગરખેડૂ મહિલાઓના સશક્ત નારીત્વને ઓળખ આપી છે,અને તેનું સન્માન કર્યું છે, જેમણે તેને પ્રાપ્ત કરવા માટે હિંમત કરી છે પ્રયત્નશીલ છે અને બલિદાન આપ્યું છે.
આ પગલું દરિયાઈ સફર પુરૂષલક્ષી વ્યવસાય હોવાની છાપમાં ધીમે-ધીમે આવી રહેલા પરિવર્તન તથા વિવિધતા અને સમાવેશનના સિદ્ધાંતોને દર્શાવે છે, જે સિદ્ધાંતોનું એસીઆઈ સમર્થન કરે છે. એસસીઆઈ તેના જહાજો પર મહિલા સાગર ખેડૂઓને રોજગારી અપાવવામાં અગ્રેસર રહી છે, તેમજ દરિયાઈક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે તેની મેરીટાઇમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇચ્છિત મહિલા કેડેટને વયમાં છૂટછાટ અને ફી છૂટ સહિત વિવિધ પહેલો પણ અમલમાં મૂકી છે. એસસીઆઈને ગયા વર્ષે, એનયુએસઆઈ દ્વારા સૌથી વધુ સંખ્યામાં મહિલા સાગરખેડૂઓને નોકરી આપનાર શિપિંગ કંપની તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ ઉપરાંત એસીઆઇને મેરીટાઇમ ક્ષેત્રે વિવિધતા અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો માટે અનેક એવોર્ડ પણ એનાયત કરાયા હતા.
“તમામ મહિલા અધિકારીઓનું નૌકાયન” એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 8 માર્ચ 2021 (આઈડબ્લ્યુડી 2021) ની થીમ “નેતૃત્વમાં મહિલાઓ કોવિડ-19 વિશ્વમાં સમાન ભવિષ્ય પ્રાપ્ત કરવું, તેમજ વર્ષ 2019 ની આઈએમઓ થીમ “મેરીટાઇમ કમ્યુનિટિમાં મહિલાઓનું સશક્તિકરણ કરવુંની થીમ સાથે સુસંગત હોવા ઉપરાંત સમાન ભવિષ્યનું નિર્માણ અને કોવિડ-19 રોગચાળામાંથી ફરીથી ઉભા થવાના વિશ્વભરની મહિલાઓ અને યુવતીઓના જબરજસ્ત પ્રયત્નોને ઓળખ આપવાનો એક પ્રયાસ છે. સાથો-સાથ પૂર્વમાં પુરુષ પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી અનેક સિદ્ધિઓની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય છે.