શરમ:શિક્ષક નકલી નોટો સાથે ઝડપાયો

પોલીસે કાર રોકવી અને ચેક કરી તો આવ્યું સામે

શરમ:શિક્ષક નકલી નોટો સાથે ઝડપાયો

Mysamachar.in-પંચમહાલ

શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પંચમહાલ જિલ્લાના પાવાગમા સામે આવ્યો છે. પાવાગઢ પોલીસે ડુપ્લીકેટ નોટો વટાવવા માટે આવેલાં એક શિક્ષકને નકલી નોટો સાથે ઝડપી પાડી અને કાર્યવાહી હાથ ધરી છે, પોલીસ પેટ્રોલીગ વેગન આર કાર શંકાસ્પદ લાગતા પોલીસે ગાડી ઉભી રખાવી પૂછપરછ અને તપાસ કરેલ. જે દરમ્યાન પોલીસને વેગેન આર કારના ચાલક પાસેથી કેટલીક ચલણી નોટો મળી આવેલ. જે પ્રાથમિક દ્રષ્ટિએ જ નકલી હોવાનું જણાતાં પાવાગઢ પોલીસે વેગન આર કારના ચાલકને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઇ પહોચી હતી,  જ્યાં ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ઝડપાયેલ ઇસમે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે ઝડપાયેલ ઈસમનું નામ રામકિશન પટેલ છે. અને તે મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાઘવના મુવાડા ગામનો છે.

અને પોતે પંચમહાલ જિલાના શહેરા તાલુકાના કવાલી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોતે ડુપ્લિકેટ ચલણી નોટો છૂટક ખરીદી કરીને વટાવવા માટે પાવાગઢ આવ્યો હોવાની કબૂલાત પણ તેણે કરી હતી.પોલીસે ઝડપાયેલા આરોપી શિક્ષક પાસેથી 500 રૂપિયાના દરની 2, 200ના દરની 50 અને 100ના દરની 13 ડુપ્લીકેટ ચલણી નોટો જેની ભારતીય ચલણ પ્રમાણે રૂપિયા 12,300ની નોટો કબ્જે કરી હતી. હાલ આ સમગ્ર મામલે પંચમહાલ એસઓજી પોલીસ દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ કરવામાં આવનાર છે. પોલીસે આરોપીની પૂછપરછ ના આધારે આ નકલી નોટ કૌભાંડમાં અન્ય કોઈ ગેંગ સક્રિય છે કે નહિ અને આ નકલી ચલણી નોટો આવી ક્યાંથી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.