જામનગર: BJPની નિષ્ફળતાઓનાં પર્દાફાશ માટે, આવતીકાલે 'શક્તિ' પ્રદર્શન
ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાનાં સમર્થનમાં 'સર્વમંગલ' જનસભા

Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવતીકાલે શનિવારે રાષ્ટ્રીય કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓનો પર્દાફાશ કરશે. કોન્ગ્રેસનાં લડાયક અને વરિષ્ઠ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ જામનગરમાં જનસભા ગજાવવા આવી રહ્યા છે. જામનગરમાં 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરનાં કોન્ગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાનાં સમર્થનમાં આવતીકાલે શનિવારે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા જનસભાનુ આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને સ્પષ્ટવક્તા શક્તિસિંહ ગોહિલ આવતીકાલે શનિવારે શહેરના ગાંધીનગર રોડ પર આવેલા સર્વમંગલ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ જનસભાને સંબોધશે અને ભારતીય જનતા પાર્ટીનો એક્સ રે નગરજનો સમક્ષ મૂકશે. આ જંગી જાહેરસભા શનિવારે સવારે 11/30 કલાકે પ્રારંભ પામશે.
કોન્ગ્રેસની આ જાહેરસભામાં કોન્ગ્રેસના અડીખમ નેતા શક્તિસિંહ ગોહિલ ભાજપાની નિષ્ક્રિયતા અને તમામ ક્ષેત્રની નિષ્ફળતા અંગે આકરાં પ્રહારો કરશે. તેઓ બેફામ મોંઘવારી, ભયાનક બેરોજગારી અને ગરીબી તથા આવશ્યક સેવાઓનાં ક્ષેત્રમાં ભાજપા સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે. અત્રે નોંધનીય છે કે, બેધડક અને સ્પષ્ટ મંતવ્યો આપવા મુદ્દે શક્તિસિંહ ગોહિલ જાણીતાં છે. તેઓ મર્મભેદી પ્રહાર ખૂબ જ શાંતિથી કરી શકે છે.
78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પક્ષનાં વફાદાર સૈનિક અને લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા હોય, પ્રતિસ્પર્ધીઓ માટે લડાઈ કઠણ બની છે. બિપેન્દ્રસિંહ જાડેજા હાલારની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે બે ટર્મથી ફરજો બજાવી રહ્યા છે. તેઓ સુશિક્ષિત અને મિતભાષી વક્તા તરીકે પણ જાણીતા છે. તેઓ સ્થાનિક પરિસ્થિતિઓ અંગે સુપેરે વાકેફ છે.
કોન્ગ્રેસની આ જાહેરસભામાં, સરકારી તંત્રો દ્વારા નગરનાં વેપાર ઉદ્યોગને થતાં અન્યાયો, GST ની લાંબી અને ગૂંચવણભરી કડાકૂટો અને તેને કારણે કરદાતાઓને પડતી મુશ્કેલીઓ તેમજ આયાતનિકાસ ક્ષેત્રમાં જામનગરનાં વેપાર ઉદ્યોગ ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી અડચણો સહિતના મુદ્દાઓ શક્તિસિંહ ગોહિલ સહિતના વક્તાઓ દ્વારા ઉજાગર કરવામાં આવશે એવું સમજાઈ રહ્યું છે. કારણ કે, આ બધાં વિષયો પર જામનગરમાં ડાહીડાહી વાતો વર્ષોથી થતી રહી છે !
અત્રે એ પણ નોંધનીય છે કે, ભૂતકાળમાં શક્તિસિંહ ગોહિલ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજો બજાવતાં ત્યારે ભાજપા સરકારને વિવિધ મુદ્દે વારંવાર ઘેરી લેવા મુદ્દે જાણીતાં હતાં. હાલ તેઓ દેશનાં સૌથી સિનિયર રાજકીય પક્ષ કોન્ગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા હોવાં ઉપરાંત રાજયસભા ગૃહમાં સાંસદ તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વક્તા તરીકે તેઓની શૈલી રસાળ અને ચોટદાર હોય, શક્તિસિંહ ગોહિલને સાંભળવાનો લ્હાવો નગરજનોને આવતીકાલે કોન્ગ્રેસની આ જાહેરસભામાં મળી શકશે. કોન્ગ્રેસની આ જાહેરસભામાં જામનગર કોન્ગ્રેસના સર્વ હોદેદારો, આગેવાનો અને કાર્યકર ભાઈઓ તથા બહેનો ઉપરાંત કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા સૌ નગરજનોને ઉમટી પડવા જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાએ એક અખબારી યાદીમાં સૌને હાર્દિક અનુરોધ કર્યો છે.