રાજ્યના 7 જીલ્લામાં કેટલાય લોકોને બનાવ્યા ટાર્ગેટ, આ રીતે કરી લેતા ચોરી

જામનગરમાં પણ હાથ અજમાવ્યો હોવાનું ખુલ્યું

રાજ્યના 7 જીલ્લામાં કેટલાય લોકોને બનાવ્યા ટાર્ગેટ, આ રીતે કરી લેતા ચોરી

Mysamachar.in:અમરેલી

જામનગર સહીત રાજ્યના અન્ય 7 જિલ્લાઓમા બેંક, પોસ્ટ ઓફિસ તેમજ મુસાફરો અને રાહદારીઓની નજર ચુકવી નાણાની ચોરી કરનાર ત્રિપુટીને અમરેલી એલસીબીએ ઝડપી લઇ 1.15 લાખનો મુદામાલ કબજે કર્યો છે, ઝાડપાયેલ ત્રિપુટીએ 16 સ્થળેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

અમરેલી એલસીબી ટીમે પારદી ગેંગના મુળ મધ્યપ્રદેશના રાવત ગામના મુકેશ તુલસીરામ ગુજ્જર, રામપતી મુકેશભાઇ ગુજ્જર અને કપીલ મહોબ્બતસિંહ પવાર નામના શખ્સોને ઝડપી આગવી ઢબે પુછપરછમા આ ત્રિપુટીએ થોડા દિવસ પહેલા અમરેલી, ચલાલા, લાઠી, સાવરકુંડલા વિસ્તારમાથી રોકડની ચોરી કરી હતી. આ ઉપરાંત ભાવનગર, મહુવા, રાજકોટ, બાબરા, જામનગર, ઢસા, અમદાવાદ, વડોદરા વિગેરે શહેરમા પણ મુસાફરો અને રાહદારીઓની નજર ચુકવી રોકડની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે કુલ રૂપિયા 1.15 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ મુકેશ તુલસીરામ ગુજ્જર અને તેનો પુત્ર રામપતી મુકેશભાઇ ગુજ્જર બંને સાથે મળી ચોરીને અંજામ આપતા હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે.