સેવા આપનાર ડોકટરો અને સેવા લેનાર દર્દીઓંએ શું બાબતો રાખવી જોઈએ ધ્યાનમાં...

સેવા આપનાર ડોકટરો અને સેવા લેનાર દર્દીઓંએ શું બાબતો રાખવી જોઈએ ધ્યાનમાં...
demo pic

Mysamachar.in-જામનગર:

ગ્રાહક સુરક્ષાની બાબતોને લઈને માયસમાચાર ગ્રાહકલક્ષી મહત્વના મુદાઓ મૂકી રહ્યું છે. ત્યારે થોડા દિવસો પૂર્વે ડોક્ટરો માટે લાયકાતવાળા સ્ટાફ રાખવા સહિતની બાબતો પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આજે બીજા તબક્કામાં પણ કેટલીક બાબતો અહી ઉજાગર કરી છે, જેમાં તબીબી સેવા આપનાર તબીબો માટે દર્દીઓના ચોક્કસ નિદાન માટે યોગ્ય પ્રયોગશાળા દ્વારા દર્દીની તપાસ કરાવવી, શંકા પડે તો દર્દીને એમ.ડી. કે એવા ઉચ્ચકક્ષાના નિષ્ણાત પાસે મોકલવા, ડોકટરૅ પોતાની સજ્જતા કે અધિકાર ક્ષેત્ર બહારનો કેસ હાથ ન ધરવો, દવા વાપરતા પહેલાં ડોક્ટરે દવા તેમજ તેમાં રહેલ તત્વોની પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ,

ઓપરેશન પહેલાં દર્દી કે દર્દીના સગાની લેખિત સંમતી મેળવવી જોઈએ અને ઓપરેશન  અંગની પૂરી જાણકારી આપવી જરૂરી છે, મોટાં ઓપરેશન માટે એનેસ્થેટિક આપનાર હાજર છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ, પરિવાર નિયોજનના ઓપરેશન માટે પતિ-પત્ની બંનેની સંમતિ મેળવવી જોઈએ અને ઓપરેશન અંગેની પૂરી જાણકારી આપવી જરૂરી છે, દવા કેવી રીતે તે કેટલી વાપરવી. તેની લેખીત સમજૂતિ દર્દીને કે દર્દીના સગાને આપવી, ચેપ ફેલાય તેવા રોગોમાં વધારે કાળજી રાખવી. આવી અનેક બાબતો છે જે અંગે દર્દી અને તેના સગાઓએ જાગૃતિ રાખી ખામી હોય તો ફરિયાદ કરવી જોઇએ,

તો હૉસ્પિટલમાંથી  રજા મળ્યા પછી દર્દીએ ડૉક્ટરની સૂચનાઓનુ કહ્યું હોય તેટલો સમય કાળજીપૂર્વક પાલન કરવું. સારવારથી સુધારો ન જણાય તો દર્દીએ બીજા નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જોઈએ. ડોક્ટર પૂછે ત્યારે દર્દીએ કોઈ માહિતી કે વિગત છુપાવવી જોઈએ નહીં, દવા ખરીઘા કે મેળવ્યા પછી તેની એક્સપાયરીડેટ તપાસવી, ડેસ્પોઝીબલ સોય કે સિરિંઝ વાપરવામાં આવે છે, તેની ખાતરી કરો, લોહીની જરૂર હોય ત્યારે પહેલાં બ્લડગ્રુપ અવશ્ય ચકાસાવી લેવડાવવું, ડોકટરની ફી અને રૂમના ભાડા અંગે તપાસ કરવી વગેરે જેવી અનેક  બાબતો હોય છે જે અંગે એક તબીબી સેવા લેનાર દર્દીઓ અને તેના સગાઓ માટે જાગૃતતા જરૂરી છે,

વધુમાં ડોક્ટરે તેના હાથ નીચે કામ કરતા કર્મચારીને પોતાને બદલે ઓપરેશન કરવા કે તબિયત જોવાનું સોપવું નહિ. અકસ્માત, ખૂન, હુમલાના કેસના દર્દીને તપાસવાનો આવે તો પોલીસને જાણ કરવી. તાલીમ પામેલી નસોં રાખવી.  કેસ પત્રક અને અન્ય રેકોર્ડ ચોકસાઈપૂર્વક જાળવવા, ફી, દવાઓ, ઓપરેશન ખર્ચ, ઑરડાનું ભાડુ અને બીજી સ્પષ્ટ વિગતો દર્શાવતી પાવતી આપવી જોઈએ અને બોર્ડ લટકાવવું જોઇએ અને  નિદાન કે સારવાર અંગે કાંઈ શંકા પેદા થાય તો બીજો અભિપ્રાય મેળવવો જોઇએ, પ્રસુતિ ખંડ કે ઓપરેશન રૂમ ચેપરહિત અને જંતુમુક્ત્ત હોવો જોઈએ, દર્દીને છૂટાં કરતી વખતે માંદગીની ટૂંકી વિગત અને સારવારનૉ સાર જણાવવો, દર્દી કે દર્દીના સંબંઘીએ રાખવાની કાળજી, તબીબીઅહેવાલ રેકર્ડ રાખવો, દવાની નોંધ, પહોંચો અને હોસ્પિટલ રેકર્ડની કાળજીપૂર્વક જાળવણી રાખવી.