સરકારની મુદ્રા યોજના દરેક લોકોને આત્મનિર્ભર બનાવી રહી છે: સાંસદ પૂનમબેન માડમ

જામ ખંભાળિયામાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમમાં લાભાર્થીઓને રૂ. 95 કરોડની લોન અપાઈ

સરકારની મુદ્રા યોજના  દરેક લોકોને આત્મનિર્ભર બનાવી રહી છે: સાંસદ પૂનમબેન માડમ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

સમગ્ર દેશમાં આઇકોનિક સપ્તાહ ઉજવણી અંતર્ગત ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કાર્યક્રમ જામ ખંભાળિયા ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અને લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે મળી તેમને ખરેખર યોજનાથી કેટલો લાભ થયો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં છેવાડાના નાનામાં નાના માનવીનો પણ સમાવેશ થઇ જાય તે લક્ષ્ય છે. કોરોના જેવી મહામારી બાદ આર્થિક તંત્રને મોટો ફટકો પડ્યો હતો. અનેક લોકોના વ્યવસાય પડી ભાંગ્યા હતા. આવા લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા અને લોકોને આત્મ નિર્ભર બનાવવાના પ્રયાસના ભાગ રૂપે કેન્દ્ર સરકાર દ્વારા આ આઉટરીચ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે.

જિલ્લાના એવા નાગરિકો કે જે મોટો વ્યવસાય શરૂ કરવાનું સાહસ કરવા માંગતા હોય કે પછી નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અને આવા લોકોમાં નવું કરવાની ધગસ હોય પરંતુ આર્થિક સ્થિતિને કારણે સ્વપ્ન સાકાર ના થઇ શકતું હોય એવું હવે નહીં બને. હવે સરકાર આવા લોકોની જામીન બની રહી છે. દ્વારકા જિલ્લામાં આજે આ બીજો આઉટરીચ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અને લાભાર્થીઓને ૯૫ કરોડ લોન સહાય ચુકવવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરી દરેક લોકો દેશના વિકાસમાં ભાગીદાર થાય તે માટેનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ લાભાર્થીઓને જણાવ્યું કે, લોકોનું બેન્ક સાથે સીધું જોડાણ થાય તે માટે સરકાર અટ્ટ પ્રયત્નશીલ છે. અને હાલમાં તમામ યોજનાઓના લાબાર્થીઓને ડીબીટીથી સહાય મોકલવામાં આવે છે. જેનાથી લોકોને બેન્ક સાથેના જોડાણની ખબર પડી. આત્મનિર્ભર બનવા માંગતા લોકો માટે સરકાર જ સીધી જામીન બની રહી છે. આપણે બેન્કમાંથી લોન લઈને નવો વ્યવસાય શરૂ કરીયે છીએ. ત્યારે આપણે પણ એક સંકલ્પ કરવો જોઈએ કે, પ્રામાણિક બની નિયમિત લોન ભરવી. જેથી અન્ય લોકો પણ આ યોજનાઓનો સરળતાથી લાભ લઇ શકે. અને સૌ સાથે મળી રાષ્ટ્રને આગળ લઇ જઈ શકીયે.

આ પ્રસંગે બેન્ક ઓફ બરોડા, જામનગરના રિજિયોનલ હેડ સુરેન્દ્રસિંહ રાઠોડે અને બેન્ક ઓફ બરોડા, રાજકોટ ઝોનના ડેપ્યુટી ઝોનલ હેડ એન.કે.સિંઘે બેન્ક દ્વારા આપવામાં આવતી વિવિધ લોન વિષે લાભાર્થીઓને માહિતી આપી હતી.  આ તકે, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, જીતેન્દ્ર કણજારીયા, પ્રતાપ પિંડારીયા, અનિલ ચાવડા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.