અકસ્માતના દ્રશ્યો CCTV માં કેદ, 20 સેકન્ડમાં જુઓ આખો ઘટનાક્રમ

એક ટ્રકે કઈ રીતે ત્રણ વાહનોને ઉડાવ્યા જુઓ આ વિડીયો 

Mysamachar.in-ગીરસોમનાથ:

વેરાવળ સોમનાથ બાયપાસ રોડ ઉપર ભોપાલના પ્રવાસીઓને લઈને સોમનાથ દર્શનાર્થે આવી રહેલી કારને સામેથી આવતા ટ્રકે અડફેટે લેતા ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે કારને અડફેટે લીધા બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા બેકાબુ બનેલા ટ્રકે રોડની સાઈડમાં પડેલી રીક્ષા, બાઈક અને આઈસર ટ્રક જેવા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ વિચિત્ર અકસ્માત અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ વિચિત્ર અકસ્માતના સીસીટીવીમાં ટ્રક એક પછી એક એક વાહનોને અડફેટે લેતો જોવા મળ્યો છે. આ વિચિત્ર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સોમનાથથી વેરાવળ તરફ આવી રહેલા ટ્રકે રોંગ સાઈડમાં જઈ રહેલી કારને પ્રથમ ટકકર મારી અડફેટે લીધી હતી. ત્યારબાદ ચાલકે કાબુ ગુમાવતા બેકાબુ ટ્રકે રોડની સાઈડમાં પાર્ક રીક્ષા, બાઈક અને આઈસર ટ્રકને એક પછી એક અડફેટે લીધા. તે બાદ યુટર્ન વળીને રોડની મધ્યમાં ડિવાઈડર ઉપર ટ્રક ચડી ગયો હતો. આ અકસ્માતના સીસીટીવીમાં જોવા મળતા મુજબ બેકાબુ બનેલા ટ્રકે માત્ર 15 સેકન્ડમાં જ વારાફરતી ચાર વાહનોને અડફેટે લીધા હતા. જેના પગલે અકસ્માતના સ્થળ આસપાસ અફરાતફરી નો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.