ડુપ્લીકેટ એન્જીન ઓઈલ વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ

આ ઓઈલ ગાડીના એન્જીનને નબળું પાડે છે

ડુપ્લીકેટ એન્જીન ઓઈલ વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ

Mysamachar.in-વડોદરા

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જાણે ડુપ્લીકેટની મોસમ ખીલી હોય તેમ બોગસ માર્કશીટ, ડીગ્રી અને હવે વડોદરામાં બોગસ ઓઈલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, બ્રાન્ડેડ કંપનીઓનું નકલી એન્જિન ઓઇલ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપાઈ જેની તપાસમાં સામે આવ્યું કે ડુપ્લિકેટ એન્જિન ઓઈલ બનાવનાર નૌશાદ ભોજાવાલા અમદાવાદના સીટીએમ અને મુંબઈના અંધેરીથી હલકી કક્ષાનું લુઝ ઓઇલ જાણીતી કંપનીઓના સ્ટીકર અને ડબ્બા મગાવીને વડોદરામાં પેકિંગ કરતો હતો અને પોતાના જ એમઆરપી મશીન વડે તેની પર ભાવ છાપી શહેરની ઓટો સ્પેરપાર્ટ્સની દુકાનો અને ગેરેજોમાં વેચાણ કરી રહ્યાનું પણ તપાસમાં સામે આવ્યું છે,

એસઓજીએ વાડી તાઈવાડામા નુસરત મહેંદી ઉર્ફે નૌશાદ ભોજાવાલાના મકાનમાં દરોડો પાડતાં મકાનની નીચે ગોડાઉનમાં એન્જિન ઓઈલના ડબ્બા તૈયાર કરવા કંપનીઓના સ્ટીકર્સ ડબ્બા સહિતની સામગ્રી મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી. નૌશાદ અમદાવાદ સીટીએમ અને મુંબઈમાં અંધેરીમાં રહેતા ગુલામ પાસેથી હલકી કક્ષાનું લુઝ એન્જિન ઓઇલ તથા વિવિધ કંપનીઓના સ્ટીકરો અને ડબ્બા સહિતનું રો મટિરિયલ લાવી ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી તેની પર એમઆરપી મશીન વડે ભાવ છાપી 5 મહિનાથી વેચતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 3.34 લાખનો મુદ્દામાલ કબજે કરી નૌશાદના કોરોના ટેસ્ટની તજવીજ કરી હતી. મકાનમાં પોલીસે બ્રાન્ડેડ કંપનીઓના એન્જિન ઓઈલના ડબ્બા, સ્ટીકર, બારકોડ, સીલ અને પેકિંગ મશીનરી પણ કબજે કરવામાં આવ્યા છે.