મુખ્ય સેવિકા અને નાયબ ચીટનીશની પરીક્ષામાં ગોટાળા થયાનો મામલો સોશ્યલ મીડિયામાં વાઇરલ

તપાસ માંગી લેતો વિષય

મુખ્ય સેવિકા અને નાયબ ચીટનીશની પરીક્ષામાં ગોટાળા થયાનો મામલો સોશ્યલ મીડિયામાં વાઇરલ

mysamachar.in-અમદાવાદ:

ગુજરાત સરકારના પારદર્શક વહીવટના દાવા વચ્ચે તાજેતરમા લાખો શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓ દ્વારા મુખ્ય સેવિકા અને નાયબ ચીટનીશની જગ્યા માટે લેવામાં આવેલ પરીક્ષામાં મોટાપાયે ગોટાળા અને ગેરરીતિ થયાના આક્ષેપો સાથે સોશ્યલ મીડિયામાં આ સમાચાર વાઇરલ થતા ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોના હિતમાં તપાસ માંગી લેતો મુદ્દો બન્યો છે,

આમ જોઈએ રાજ્ય સરકાર દ્વારા અગાઉ તલાટીની લેવામાં આવેલ પરીક્ષાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને સરકારના વિભાગો દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ સામે અનેક સવાલો ઉભા થયા હતા,

તેવામાં ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તા.૨૩/૧૧/૧૮ના રોજ લેવામાં આવેલ આંગણવાડીમાં ભરતી કરવા માટે મુખ્ય સેવિકાની અને નાયબ ચીટનીશની ખાલી જગ્યા ભરવા માટે પરીક્ષા લેવામાં આવી હતી,જેમાં સિલેબસ બહારનું તેમજ પેપર લીક થયાના આક્ષેપો સાથે સોશ્યલ મીડિયા,વોટ્સએપ સહિતના માધ્યમોમાં મેસેજ ફરતા થતા સમગ્ર ગુજરાતમાં આ મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે,

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મુખ્ય સેવિકા તેમજ નાયબ ચીટનીશની લેવામાં આવેલ પરીક્ષા મામલે હિંમતનગરના એક વકીલે પેપર લીક થયાના આક્ષેપો કરીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઇ છે અને સરકાર પગલા નહીં ભરે તો હાઇકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વધુમાં મુખ્ય સેવિકા માટે ધો.૧૨ પાસ અને નાયબ ચીટનીશ માટે ગ્રેજ્યુએટની લાયકાત હોય,ગુજરાતભરમાંથી લાખો બેરોજગાર યુવક અને યુવતીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી.જે ધ્યાને લઈને એજન્ટોની એક ટીમ સક્રિય બનીને નોકરીવાચ્છુક યુવક અને યુવતીઑને છેતરપીંડીનો ભોગ બનાવવા માટે મોટાપાયે સેટિંગના પણ આક્ષેપો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પરીક્ષા આપનાર મહેનતુ યુવક અને યુવતીઓમાં ચિંતા જન્મી છે.

ત્યારે ગુજરાત સરકાર દ્વારા પારદર્શક અને સંવેદનશીલ વહીવટની વાતો વચ્ચે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવેલ મુખ્ય સેવિકા અને નાયબ ચીટનીશની પરીક્ષા મામલે થઈ રહેલી ફરિયાદો,આક્ષેપો મામલે તપાસ કરીને લાખો શિક્ષિત બેરોજગાર નોકરીવાચ્છુક યુવક અને અને યુવાઓના હિતમાં પગલાભરે તેવી માંગણી ઉઠવા પામેલ છે.

પરીક્ષામાં ક્ષતિઓ હોય તો બેરોજગાર યુવાનો આગળ આવે

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ મુખ્ય સેવિકા અને નાયબ ચીટનીશની પરીક્ષા સંદર્ભે સોશ્યલ મીડિયાના માધ્યમથી ઘણી ફરિયાદો ઉઠવા પામી છે.આ મામલે ક્ષતિઓ અથવા અન્ય વિગતો હોય તો યુવક-યુવતીઓ આગળ આવીને Mysamachar.in નો સંપર્ક કરી જણાવશો તો અમે તમારો અવાજ બનવાનો પ્રયાસ કરીશું.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.