Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા અદભૂત સંસ્થા છે.! આ સંસ્થાને ખોટું બોલવાની કુટેવ છે. ખુદનાં હાથે ખુદની પીઠ થાબડતી મહાનગરપાલિકા મોટેથી ખોટું બોલે છે. રોજ ખોટું બોલે છે. અને, મહાનગરપાલિકા ખોટું બોલવામાં કોઈ પણ જાતનો સંકોચ, ક્યારેય અનુભવતી નથી. આ પ્રકારની વધુ એક અખબારી યાદી કોર્પોરેશનની આરોગ્ય શાખાએ જાહેર કરી છે. સ્વચ્છતા મુદ્દે તથા રોગચાળા નિયંત્રણ મુદ્દે કાયમ વિવાદમાં રહેતું કોર્પોરેશન કહે છે: શહેરમાં ડેન્ગ્યુના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે ! (કેમ અચાનક વધી ગયા ? રોગચાળા નિયંત્રણ યોગ્ય ન હતું ? એલિયને એટેક કર્યો ?!) અને પછી, અખબારી યાદીમાં રોગચાળો અટકાવવા ડાહી અને મીઠડી વાતો કરી છે !!
મહાનગરપાલિકા કહે છે: અમે રોજ સાડાસાત હજારથી વધુ ઘરોમાં સર્વે, તપાસ અને પૂછપરછ કરીએ છીએ: તમારાં ઘરમાં કોઈને તાવ આવે છે ? દર અઠવાડિયે મહાનગરપાલિકા શહેરમાં અંદાજે 2 લાખ 28 હજાર કરતાં વધુ નગરજનોને બિમારી અંગે પૂછે છે ! એવું અખબારી યાદી કહે છે. ગામમાં ક્યાંય સર્વે ચાલતો હોવાની ચર્ચા નથી ! સર્વે નાં નામે બિલો બનતાં હોવાની શક્યતા દેખાઈ રહી છે.
લોકોનાં ઘરોમાં પાણીનાં વાસણો અને ટાંકીઓ ઢાંકેલા છે કે ખૂલ્લાં ? તે અમે તપાસીએ છીએ અને રોજ સવારથી સાંજ સુધીમાં આવાં સાડા સાત હજારથી વધુ ઘરો તપાસીએ છીએ, એવો કોર્પોરેશનનો દાવો પોતે જ હાસ્યાસ્પદ છે. કોર્પોરેશનને અખબારી યાદીઓ બહાર પાડવાની આદત છે. એસ્ટેટ શાખા પણ ગાજતી હોય છે: અમે શહેરમાં ચાર રેંકડી હટાવી, બે કબજે લીધી, ત્રણ રેંકડીધારકોને દંડ કર્યો. ફૂડ શાખા પણ વારંવાર કહે છે કે આજે ચેકિંગ કર્યું સૂચનાઓ આપી….ટૂંકમાં, વારતા રે વારતા !
આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા પણ ફાંકા ફોજદારી કરવાની આદત ધરાવે છે. કહેતી હોય છે, અમે ખાસ મશીન અને વાહન દ્વારા કાલે રાત્રે શહેરમાં 71 કિમી લંબાઈના માર્ગો પર સફાઈ કામગીરી કરી ! અને, આવી અખબારી યાદીઓ રોજ મોકલે ! વેરાશાખા પણ પોતાની પીઠ થપથપાવે અને બોલે: અમે કાલે ફલાણા વોર્ડમાં 13 મિલકતધારકોને બાકીવેરા અંગે નોટિસ આપી, 6 મિલકત ધારકો પાસેથી રૂ. 47,000 ની વસૂલાત કરી ! કોર્પોરેશનની બાકી વેરાની કુલ રકમનો આંકડો વર્ષોથી તોતિંગ છે. રાહત યોજના તથા વસૂલાત કામગીરી પછી પણ આ આંકડો તોતિંગ જ રહે છે ! કામ કરતી હોવાનો ઢોંગ કરતી મહાનગરપાલિકા કામ ઉતારવાના મુદ્દે કાયમ ચર્ચામાં રહેતી હોય છે ! વાસ્તવિકતા આ છે.