સરપંચે 4 લાખની માંગણી કરી હતી, 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો

આ કામ માટે માંગી હતી લાંચ 

સરપંચે 4 લાખની માંગણી કરી હતી, 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો

Mysamachar.in-મહેસાણા:

દિનપ્રતિદિન રાજ્યમાં એક બાદ એક સરકારી બાબુઓ લેવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે ચૂંટાયેલ પ્રતિનિધિ પણ એસીબીની અડફેટ ચઢી જવાનો કિસ્સો સામે આવ્યો છે, વાત છે મહેસાણા જિલ્લાની...જ્યાં ગીલોસણ ગામના સરપંચને રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.મહેસાણા જિલ્લામાં આવેલા ગીલોસણ ગામમાં એક નાગરિકે ઔધોગિક પ્લોટિંગ કર્યું હતું, જેના બાંધકામ માટે ફરિયાદીએ સરપંચ પાસે પરવાનગી ચિઠ્ઠી લેવા ગીલોસણ ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. જો કે બાંધકામ અંગે પરવાનગી ચિઠ્ઠી આપવા મામલે ગીલોસણ ગામના સરપંચ ભીખુમિયા ગાંડાલાલ અલીમીયાએ ફરિયાદી પાસે રૂપિયા 4 લાખની લાંચ માગી હતી. જો કે આરોપી સરપંચે અગાઉ પણ આ મામલે પચાસ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો અને બાકી રહેલી રકમની માંગણી ચાલુ રાખી હતી.

આ સમગ્ર મામલે ફરિયાદીએ મહેસાણા ACBમાં જાણ કરી હતી અને આરોપી સરપંચને પરવાનગી ચિઠ્ઠી મેળવવા અને એક લાખ રૂપિયા આપવા માટે મહેસાણા મોઢેરા રોડ પર આવેલી ગ્રીન પાર્ક સોસાયટી પાસેના પૂનમ પાર્લર પર બોલાવ્યો હતો. જ્યાં આરોપી સરપંચ લાંચના એક લાખ રૂપિયા લેવા પહોંચ્યો હતો. ત્યાં મહેસાણા ACBએ અગાઉથી જ છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી અને આરોપીની લાંચની રકમ અંગે ભારે રકઝક બાદ આરોપી સરપંચે એક લાખ રૂપિયા સ્વીકારતા જ એસીબીએ તેને ઝડપી પાડ્યો છે.