પાડોશીઓની સતર્કતાને સલામ, પોલીસે માળિયામાં છુપાયેલા તસ્કરોને ઝડપી પાડ્યા

એક માળિયામાં તો બીજો બોક્સબેડમાં છુપાઈ ગયો

પાડોશીઓની સતર્કતાને સલામ, પોલીસે માળિયામાં છુપાયેલા તસ્કરોને ઝડપી પાડ્યા

Mysamachar.in-વડોદરા

કડકડતી શિયાળાની ઠંડીમાં ચોરીના બનાવોમાં વધારો થઇ જતો હોય છે, અને લોકો ઘરોમાં આરામ ફરમાવતા હોય તેવા સમયે તસ્કરો મોટો હાથ મારી લેતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જો કે વડોદરામાં પાડોશીઓની સતર્કતાથી તસ્કરો પોલીસને હાથ ઝડપાઈ ચુક્યા છે,બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલા 3 તસ્કરો દ્વારા કરાતા અવાજથી જાગી ગયેલા પાડોશીએ અન્ય રહીશને જગાડી તસ્કરોને પોલીસના હાથે પકડાવી દીધા હતા. તસ્કરો પોલીસથી બચવા માળિયા અને પેટી-પલંગમાં સંતાઈ ગયા હતા.

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ પામવીલા-2માં રહેતા સાંવલારામ પટેલએ જણાવ્યું કે, તેમની મોટી સાળીનો દીકરો અર્જુન ચૌધરી તેમની સોસાયટીના સી-17 નંબરના બંગલામાં રહે છે. જોકે તેના મોટા બાપાનું મૃત્યુ થયું હોવાથી પરિવાર સાથે રાજસ્થાન ગયો હતો. જ્યારે સી-16માં રહેતા હેમંત પટેલે જણાવ્યું હતું કે, તેમને રાતે 2-45 વાગે સી-17 નંબરના મકાનમાં કાંઈ તોડવાનો અવાજ આવતાં તેમણે ઘરની બહાર નીકળીને લાઈટ ચાલુ કરી જોતાં દરવાજાનું ઈન્ટરલોક તૂટેલું હતું. જેથી તેમણે સી-15માં રહેતા વિશાલ પાટીલને ફોન કરી આ બનાવની જાણ કરી હતી.

વિશાલ પાટીલે સાંવલારામને ફોન કરી જણાવ્યું કે, તમે ઘરની બહાર આવો. સી-17માં રહેતા તમારા સંબંધીના મકાનમાંથી કંઇક તોડવાનો અવાજ આવી રહ્યો છે અને દરવાજો પણ તૂટેલો છે. વિશાલ પાટીલે સોસાયટીના અન્ય લોકોને પણ ભેગા કરી દીધા હતા. તેમણે 100 નંબર પર ફોન કરી પોલીસને પણ બોલાવી હતી. તસ્કરો ભાગી ન જાય તે માટે સી-17 મકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. દરમિયાન મકરપુરા પોલીસની બે ગાડીઓ આવીને મકાન ખોલતાં મકાનના બેઠક રૂમમાં એક તસ્કર મળી આવ્યો હતો, જે ભાગવા જતાં પોલીસે ઝડપી લીધો હતો.

જ્યારે બીજો તસ્કર બેડરૂમના માળિયા ઉપર સંતાયેલો મળ્યો હતો અને ત્રીજો તસ્કર બેડરૂમમાં બોક્સબેડમાં છુપાયેલો જોવા મળ્યો હતો. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતાં તેમનાં નામ રાજુ મોહમદજેનાલ શેખ, નજમુલહુસેન અબ્દુલરોફ શેખ અને સુરજ ઉર્ફે જાકીર વિરેન્દ્ર સોલંકી જાણવા મળ્યું હતું. મકરપુરાની સોસાયટીમાંથી પકડાયેલા તસ્કરો અમદાવાદથી ચોરી કરેલું જ્યુપિટર સ્કૂટર લઈ ચોરી કરવા આવ્યા હતા. સ્કૂટર સોસાયટીની સામે રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું. જ્યારે આરોપીઓ પાસેથી મળેલી સ્કૂલ બેગમાં ચોરી કરવાનાં સાધનો જેમાં 2 વાંદરી પાનાં, 2 ડિસમિસ, 1 ગણેશિયું અને 1 પક્કડ મળી આવ્યું હતું.પોલીસે તમામને ઝડપી પાડી તેને કયા ક્યાં સ્થળોએ ચોરી કરી છે તે અંગેની તપાસ હાથ ધરી છે.