સલામ છે આ બેહનોને જે બે ફરજ એકીસાથે નિભાવે છે.

અન્ય સરકારી કર્મચારીઓ માટે પ્રેરણા 

સલામ છે આ બેહનોને જે બે ફરજ એકીસાથે નિભાવે છે.

Mysamachar.in-રાજકોટ
આપણે ત્યાં આમ તો પોલીસ નામ આવે એટલે અમુક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની હરકતને કારણે આખા વિભાગને શંકાની નજરે જોવામાં આવતું હોય છે, પણ ખરેખર આવું હોતું નથી, કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ પોલીસ વિભાગમાં એવા પડ્યા છે કે જે પોતાની ફરજ નિભાવવા માટે કાઈપણ કરી છૂટે છે, હાલમ કોરોના વાયરસ એ સમગ્ર દેશને પોતાની બાનમાં લીધો છે ત્યારે પોલીસ જવાનો આ જીવલેણ વાઇરસથી લોકોને બચાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને લોકડાઉનના નિયમનું ચુસ્તપણે પાલન કરાવી રહ્યા છે,

આવા કપરા સમયે ગુજરાતમાં મહિલા પોલીસમાં ફરજ બજાવી મહિલાઓ પોતાના પરિવારની સાથે-સાથે દેશની પણ રક્ષા કરે છે. આવી જ બે મહિલાઓ રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકમાં પોતાના સંતાનોને સાથે રાખી પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. ખાખી વર્દીમાં ફરજ પર તૈનાત આ મહિલા પોલીસ કે જેના એક હાથમાં મમતાની દોરી છે તો બીજા હાથમાં ફરજની કલમ છે.અને બન્નેને તે સુપેરે નિભાવી રહી છે, આ મહિલા પોલીસકર્મીઓ લોકડાઉન સમયમાં પોતાની નૈતિક ફરજ બજાવે છે પરંતુ સાથે સાથે પરિવારની જવાબદારી પણ તેમના માથે જ છે માટે તે પણ પરીપૂર્ણ કરે છે.

કપરા કાળમાં પણ ફરજ બજાવી રહેલી આ મહિલા પોલીસકર્મીઓ નેહા કણજારિયા કે જેઓ ASI તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે બીજા મહિલા પોલીસકર્મી ચેતના વાલાણી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.નેહાબેનની 10 માહિનાની પુત્રી છે અને ચેતનાબેનને 14 મહિનાનો પુત્ર છે. કોઈપણ બાળક પોતાના માતાથી દૂર ન જ રહી શકે એ તો સ્વાભાવિક છે પરંતુ આ સમયે આ બંને બહેનો પોતાના સંતાનને સાથે રાખી પોલીસ મથકમાં પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યા છે, જે અન્યો માટે પણ ઉદાહરણ સમાન તો છે.

બન્ને મહિલા પોલીસની કામગીરીને ખુદ જિલ્લા પોલીસવડા એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.એ.એસ.આઇ નેહાબેન અને તેમના પતિ બન્ને પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે નેહાબેન પોતાના સંતાનને લઇ પોતાની ફરજ પર જતાં રહે છે અને તેમના પતિ પણ આ જ મુજબ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.આમ પરિવાર સાથે દેશની સેવા રાજ્યની સેવા પણ આ બહેનો બખૂબી નિભાવી રહી છે જે ધન્યવાદને પાત્ર છે.