Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયામાં રહેતી એક સગીરને એક યુવાન સાથે પ્રેમ સંબંધ હોય, જો કે તેણીનો પ્રેમી જેલમાં હોવા ઉપરાંત સગીર અવસ્થામાં તેણીએ વ્યથીત હોય ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધાની ઘટના સામે આવી છે, આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં ઘી ડેમ તરફ જતા રસ્તે રહેતા કાસમમિયા સિદ્દીકમિયાં બુખારીની સતર વર્ષ પાંચ માસની સગીર પુત્રી સમીરાબેનને આ વિસ્તાર નજીક જ રાવલીયાપાળા ખાતે રહેતા ધવલ ઉર્ફે ગુડ્ડુ નારણદાસ હરદાસાણી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય, આજથી આશરે સવા માસ પૂર્વે સમીરા ધવલ ઉર્ફે ગુડ્ડુ સાથે ગઈ હતી. બાદમાં બે-ત્રણ દિવસ પછી તેની પોતાના ઘરે પરત આવી ગઈ હતી.
આ પ્રકરણમાં સગીરાએ ધવલ ઉર્ફે ગુડ્ડુ વિરુદ્ધ ખંભાળિયા પોલીસ મથકમાં અપહરણ સહિતની ફરિયાદ નોંધાવતા ખંભાળિયા પોલીસે તેની સામે અપહરણ તથા પોક્સો એક્ટ સહિતનો ગુનો નોંધ્યો હતો. આ ગુના સબબ ધવલ ઉર્ફે ગુડ્ડુ હાલ જામનગર જિલ્લા જેલમાં છે. આ દરમિયાન સગીરા સમીરાબેનને ધવલ ગુડ્ડુ સાથે જ લગ્ન કરવા હોય અને તે હાલ જેલમાં હોવા ઉપરાંત તેણીની ઉંમર નાની હોવાથી જેલમાં રહેલા ધવલને તે મળી શકતી ન હતી. આથી વ્યથિત હાલતમાં તેણીને મનમાં લાગી આવતા બુધવાર તારીખ 30 મીના રોજ રાત્રીના કોઈ પણ સમયે તેણે પોતાના ઘરના રુમમાં પંખાના હુકમાં દોરડું બાંધી અને ગળાફાંસો ખાઇ લેતા ગઈકાલે ગુરુવારે તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે સગીરાના પિતા કાસમમિયા સિદ્દીકમિયાં બુખારીએ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી હતી.