જામનગરમાં શાસકપક્ષનાં નેતાનાં પુત્રની દાદાગીરી:પોલીસે આપ્યો 'ટેકો' !

બર્ધનચોકમાં પોલીસે વેપારીને ફડાકાઓ ઝીંકી દીધાં છતાં, વેપારીઓ મૌન !!

જામનગરમાં શાસકપક્ષનાં નેતાનાં પુત્રની દાદાગીરી:પોલીસે આપ્યો 'ટેકો' !

Mysamachar.in:જામનગર

જામનગરમાં બર્ધનચોક વિસ્તાર વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે, આગામી સમયમાં આ વિસ્તારમાં નવા પ્રકારની આગ પેદા થાય તેવી શક્યતા છે કેમ કે, ખુદ શાસકપક્ષનાં એક મહિલા નેતાનાં પુત્રની કથિત દાદાગીરી અને આ દાદાગીરીને પોલીસે આપેલો ટેકો શહેરમાં ચર્ચાનો હોટ વિષય બન્યો છે કેમ કે આ બંને વીડિયો વાયરલ થયાં છે.

બર્ધનચોક નજીકનાં એક રહેણાંક વિસ્તારમાં શાસકપક્ષનાં નેતા કુસુમબેન પંડયા અને તેમનો પરિવાર વર્ષોથી વસવાટ કરે છે. આ પરિવારને અહીંના એક દુકાનદાર સાથે વાંધો પડ્યો છે. આ વાંધો આમ તો જૂનો છે પરંતુ હાલમાં આ બબાલ સપાટી પર આવી છે. તાજેતરમાં શાસકપક્ષનાં નેતાનાં પુત્રની વેપારી સાથેની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી છે અને કેટલાંક ઉત્સાહી લોકો તો એવું પણ અનુમાન કરી રહ્યા છે કે, આગામી દિવસોમાં બર્ધનચોકમાં ચોક્કસ પ્રકારની આગ લાગી શકે છે !

શાસકપક્ષનાં નેતાનાં પુત્રનો જે વીડિયો વાયરલ થયો છે તે જો કે ત્રણેક મહિના પહેલાંના હોવાનું કહેવાય છે પરંતુ આ વીડિયોની સાથે-સાથે શહેરમાં એવી વાતો પણ વાયરલ થઈ છે કે અહી કોઈ હપ્તા પણ ઉઘરાવી રહ્યું છે. જો કે શાસકપક્ષનાં નેતા એમ કહે છે કે, અમે હપ્તા ઉઘરાવતા હોઈએ તો અમે પોલીસને આ મામલામાં શા માટે લાવીએ ?! તેઓનો દાવો એવો છે કે, લાંબા સમયથી ચાલતાં આ મામલાની પોલીસને રજેરજની ખબર છે ! (તો પછી આટલાં સમયમાં પોલીસે આ વિવાદ શા માટે શાંત નથી પાડ્યો ?! વિવાદ સળગતો રહે એમાં પોલીસને પણ રસ છે ?!) અને આ અંગે અમે હરકતમાં આવતા આ વિડીયો વાઈરલ થયો હોવાનું જણાવી પોતાનો બચાવ રજુ કર્યો હતો.

શાસકપક્ષનાં નેતાનો દાવો એવો છે કે, આ વિવાદાસ્પદ દુકાન રાવળી જમીન પર ખડકી દેવામાં આવી છે. જો ખરેખર આમ હોય તો, શાસકપક્ષ એસ્ટેટ શાખાની મદદથી આ દુકાનદાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શા માટે નથી કરતો ?! એવો પ્રશ્ન પણ જાણકારો પૂછે છે. નેતા વળી એમ પણ કહે છે : દુકાનદાર સામે વાંધો નથી ! આ દુકાને આવતાં અન્ય લોકો આ વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે. તેઓની સામે વાંધો છે. નેતા એમ પણ કહે છે કે, મારી પાસે આટલો મોટો હોદ્દો હોય છતાં શું અમારે ત્રાસ સહન કરવાનો ?!

બીજી તરફ, સ્થાનિક પોલીસ વિવાદનો સમાધાનકારી માર્ગ શોધવાને બદલે શાસકપક્ષનાં નેતાની તરફેણમાં છે ! પોલીસે કાયદો હાથમાં લઈને એક વેપારીને જાહેરમાં ફડાકાઓ ઝીંકી દીધાં ! તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ વિસ્તારમાં આટલો મોટો વેપારી વર્ગ છે છતાં પોલીસની આ પ્રકારની જોહુકમી સામે મૌન છે!! તેથી વેપારીઓમાં પણ આગેવાનો અને પોલીસ પ્રત્યે નારાજગી તથા રોષ જોવા મળે છે. વેપારીને જાહેરમાં ફડાકાઓ ઝીંકી પોલીસે આ પ્રકરણમાં શું સાબિત કરવાની ઈચ્છા જાહેર કરી છે ?! એ અંગે પણ શહેરમાં ચર્ચા છે. નવાઈની વાત એ છે કે, એક વેપારીને પોલીસે જાહેરમાં ફડાકાઓ ઝીંકી દીધાં છતાં વેપારીઓએ સંગઠિત થઈ પોલીસ અધિકારી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું નથી ! પોલીસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો નથી ! વેપારીઓએ મિટિંગ બોલાવી નથી ! વેપારી અગ્રણીઓ સમક્ષ રજૂઆત કરી નથી. કોઈ વેપારી આગેવાને આ બનાવ અંગે નિવેદન આપ્યું નથી !

અત્રે ઉલ્લેખનીય છે કે, મેયર અને શાસકપક્ષનાં નેતા, બંને મહિલા નેતાઓ ખાસ સમય કાઢીને થોડાં થોડાં દિવસે, બર્ધનચોક વિસ્તારમાં પથારાઓ ઉપડાવે છે, માલસામાન કબજે લેવડાવે છે. પોલીસ સાથે પેટ્રોલીંગ કરે છે. તસવીરો ખેંચાવે છે અને આ કામગીરીની અખબારી યાદી પણ કોર્પોરેશન અને પોલીસ વિભાગ રિલીઝ કરે છે ! ટૂંકમાં શાસકપક્ષનાં નેતાઓ આ વિસ્તારમાં પોલીસરાજ ઈચ્છે છે એવું અત્યાર સુધીનાં ઘટનાક્રમ પરથી સમજાઈ રહ્યું છે. અને બીજી બાજુ સેંકડો વેપારીઓ આ પ્રકારના પોલીસરાજ વિરૂદ્ધ હાલ મૂંગા છે ! તેને કારણે કેટલાંક લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આગામી દિવસોમાં આ વિસ્તારમાં ભડકો તો થશે જ ! શહેરનાં શાંતિપ્રિય લોકો ઈચ્છે છે કે, સમગ્ર વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવે. આ વિસ્તારની તથા શહેરની શાંતિ ન ડહોળાય. પોલીસ શાણપણથી કામ લ્યે એવું સમજુ નગરજનો ઇચ્છી રહ્યા હોવાનું જાણવા મળે છે.

-શહેર ભાજપા અધ્યક્ષ કહે છે...

આ સમગ્ર મામલા અંગે Mysamachar.in સાથેની વાતચીતમાં શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરાએ જણાવ્યું છે કે, જે દિવસે આ મામલો જાહેર થયો એ દિવસે પાર્ટીનાં તમામ આગેવાનો સુરત હતાં. ત્યાં પ્રદેશ પ્રમુખ દ્વારા સૌને બોલાવવામાં આવ્યા હતાં. હાલમાં એકબે દિવસથી અમો સૌ જામનગરમાં અન્ય કામોમાં વ્યસ્ત છીએ. આ કથિત મામલા અંગે લગતને આજે બોલાવ્યા છે. મામલાની સંપૂર્ણ જાણકારી મેળવવામાં આવશે અને બાદમાં તે અંગે શું નિર્ણય લેવો ? તે બાબતે પક્ષ વિચારણા હાથ ધરશે.