આજથી રાજ્યમાં પેટ્રોલ ડીઝલમાં રૂપિયા 2 નો વધારો

દાજ્યા પર દામ જેવી સ્થિતિ

આજથી રાજ્યમાં પેટ્રોલ ડીઝલમાં રૂપિયા 2 નો વધારો
file image

Mysamachar.in-ગાંધીનગર

એક તો કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, અને કેટલાય પરિવારોની સ્થિતિ આજે પણ ડામાડોળ છે, ત્યાં દાજ્યા પર દામ હોય તેમ કોરોના મહામારી અને મોંઘવારીના બેવડા ધોરણો વચ્ચે પિસાતી પ્રજાને રાજ્ય સરકારે બે રૂપિયાનો ડામ દીધો છે. રાજ્ય સરકારે આજથી પેટ્રોલ અને ડીઝલમાં રૂ.2નો વધારો ઝિંક્યો છે. તેના કારણે માત્ર પેટ્રોલનો જ દૈનિક 4.16 કરોડ અને ડીઝલમાં 11.26 કરોડ મળી 15,43,17,497 કરોડ જેટલી રકમનો બોજો આવી પડયો છે.કેન્દ્ર સરકાર છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરી રહી છે. આજે સતત નવમા દિવસે પેટ્રોલમાં 48 પૈસા અને ડીઝલમાં 59 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આઠ દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ.4.52નો અને ડીઝલમાં રૂ.4.64નો વધારો થયો છે.

કેન્દ્ર સરકાર રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. ત્યાં આજે રાજ્ય સરકારે પણ વેટમાં વધારો કરીને રૂ.2નો વધારો ઝીંક્યો છે. લોકડાઉન ખોલી નાખવાના કારણે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ વધ્યો છે. તેના કારણે રોજ સરકારે કરોડો રૂપિયાની આવક થશે તેની સામે પ્રજા પર આર્થિક બોજો વધી જશે. કોરોનાના કારણે અઢી માસ જેટલા લાંબા લોકડાઉનના કારણે વેપાર-ધંધા ઠપ રહેતા એક નૈયા પૈસાની આવક નથી. એક તરફ રોજગારીના ફાંફા છે, બે ટંક ખાવાનો મેળ પડતો નથી ત્યાં સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરી નાખતા લોકો પર આજથી વધુ બેવડો માર શરુ થયો છે,