આંખમાં મરચાની ભૂંકી છાંટી 50 લાખની લુંટ

પોલીસ દ્વારા નાકાબંધી કરી તપાસ તેજ કરાઈ

આંખમાં મરચાની ભૂંકી છાંટી 50 લાખની લુંટ

Mysamachar.in-સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના થાનની આંગડીયા પેઢીનો કર્મચારી પોતાના ઘરેથી થેલામાં રૂ. 50 લાખ સાથે એક્ટિવામાં આગળ મૂકી પોતાની આંગડીયા પેઢીમાં જઇ રહ્યો હતો. ત્યારે થાનની એક ગલી પાસે સામેથી પગપાળા ચાલીને આવતા ત્રણ ઇસમોએ આંગડીયા પેઢીના શખ્સ ઉપર મરચાની ભૂકી છાંટી રૂ. 50 લાખ રોકડા ભરેલો થેલો લઇને ફરાર થઇ જવાની ચકચારજનક ઘટના સામે આવતા પોલીસ આ ત્રણ શખ્સોને ઝડપી કામે લાગી છે, જો કે આ લૂટની ઘટનામાં રૂ. 50 લાખના થેલાની લૂંટ કરીને ફરાર થયેલા ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા ગુજરાતનાં વિવિધ પોલીસ મથકોએ જાણ કરી નાકાબંધી કરાવી કાર્યવાહી હાથ ધરી છે.

થાનગઢ મહાલક્ષ્મી શેરીમાં રહેતા વિરલભાઇ હસમુખભાઇ ગાંધી એમના રહેણાંક મકાનેથી રૂ. 50 લાખ રોકડા પરપલ કલરના થેલામાં લઇ પોતાના કાળા કલરના એક્ટિવાની આગળના ભાગમાં મૂકી પોતાની આંગડીયા પેઢી તરફ જઇ રહ્યાં હતા. ત્યારે થાનગઢના ડોક્ટર રાણા સાહેબના દવાખાના વાળી ગલીમાં પહોંચતા સામેથી પગપાળા ચાલીને આવતા ત્રણ અજાણ્યા ઇસમોએ વિરલભાઇ હસમુખભાઇ ગાંધી ઉપર મરચાની ભૂકી છાંટી ઝપાઝપી કરી એમની પાસે એક્ટિવા પર રાખેલો રૂ. 50 લાખનો થેલો તફડાવી ફરાર થઇ ગયા હતા.

આ ઇસમો અંદાજે 20 થી 25 વર્ષની ઉંમરના મધ્યમ બાંધાના હોવાની અને આ ત્રણેય શખ્સોએ મોંઢે લુંગી જેવુ કપડું બાંધેલું હતુ અને જેઓ નંબર વગરના મોટરસાયકલ ઉપર નાસી છૂટવામાં સફળ થયા હતા. લાખોની લૂટના આ બનાવને પગલે સુરેન્દ્રનગર કંટ્રોલ રૂમ દ્વારા અન્ય જીલ્લાના પોલીસ કંટ્રોલરૂમને પણ નાકાબંધી કરવા અને ઇસમોના વર્ણન આપી ઝડપી પાડવા તજવીજ શરુ કરી છે.