વિધિમાં બકરા કાપીને ખાતા 4 લોકોના મોત 

ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય સહિતના હોસ્પિટલ દોડ્યા 

વિધિમાં બકરા કાપીને ખાતા 4 લોકોના મોત 
symbolic image

Mysamachar.in:દાહોદ 

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાઈ ચૂક્યાની ઘટના સામે આવી છે આ ધાર્મિક પ્રસંગમાં 4  લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 14 જેટલાને ગંભીર અસર થતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે મોડી રાત્રે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા, તો કેટલાકને ચક્કર આવવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારબાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ ધાર્મિક પ્રસંગમાં દોડધામ મચી ગઇ હતી. તેમાંથી 4 લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. ઘટનાની તપાસ કરતા ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા હતા. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ સામે આવે તેમ છે.

ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ગત રવીવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી. ત્યારબાદ બકરાના મટનના ભાગ પાડવામાં આવ્યા હતા અને લોકો પોતપોતાના ભાગનું મટન લઈને ઘરે લઇ ગયા હતાં. ઘરે જઈને તમામ લોકોએ આ મટન જમ્યા હતા. પરંતુ જમ્યા બાદ થોડાક જ સમયમાં તમામ 15 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા અને ચક્કર આવવા લાગ્યા હતાં. તે દરમિયાન કનુભાઇ સોમાભાઇ માવી, દલસિંહભાઇ ધનજીભાઇ માવી, બાબુભાઇ ફુલજીભાઇ માવી અને સનાભાઇ ભવનભાઇ માવીનું મોત થઇ ગયું હતું. બીમાર થયેલા 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવમાં આવ્યા હતાં.