ઓખા જેટી પર SRP  છતા..બોટમાં ઠાસોઠાસ ભરાતા યાત્રિકો

પોર્ટ સામે પીઠબળ કોનુ??

ઓખા જેટી પર SRP  છતા..બોટમાં ઠાસોઠાસ ભરાતા યાત્રિકો
File Image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા જિલ્લાના બંદર ઓખા પેસેન્જર જેટી પર બોટમાલીકો બેટ લઇ જવા માટે ઓવરલોડ યાત્રિકો ન બેસાડે તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા જેટી પર બે પાળીમાં મળી એમ કુલ 6 એસઆરપી જવાનોને બંદોબસ્તમાં મુકાયા છે, છતાં પણ એસઆરપી બંદોબસ્તની હાજરીમાં પણ બોટમાલીકો દાદાગીરી કરી ઓવરલોડ યાત્રિકો બેસાડીને જીવના જોખમે સવારી કરાવી બંદોબસ્તના જવાનોને પણ ગાઠતા નથી. ઉચ્ચકક્ષાએ અનેક રજૂઆતો થવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી ન કરાતા બોટ માલીકોને મોકળું મેદાન મળ્યું છે, તેમજ  ઓવરલોડ પેસેન્જર ભરાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જેથી ગમે ત્યારે દુર્ઘટનાનો ભય છે. કેમકે અગાઉ દુર્ઘટના બની પણ છે.

-પોર્ટ સામે પીઠબળ કોનુ??

ઓખાથી બેટદ્વારકા સમુદ્રમાં ૧૫૦ જેટલી પેસેન્જર બોટો ચાલે છે. આ તમામ બોટોને ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યા છે. લાઇસન્સની શરતો ભંગ કરીને ચાલતી બોટો સામે અવાર નવાર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ડિટેનની કાર્યવાહી કરાતી હોય છે. છતાં પણ બોટમાલીકો મનસ્વી વર્તન દાખવી ગમે તેટલા ભાડા પણ વસુલી તંત્રને પણ ગાઠતા નથી. બોટ ડીટેઇન થાય કે લાયસન્સ સસ્પેન્ડ થાય તો પણ કાવાદાવા કરી બોટ પરત મેળવી લેવાય છે, તેની પાછળ પીઠબળ કોનુ છે તે તપાસનો વિષય છે.