RFOએ કોન્ટ્રાકટર પાસેથી 5 લાખ ત્રણ હપ્તામાં લેવાનું નક્કી કર્યું પણ.....

અને કોન્ટ્રાકટરે એસીબીને રાવ કરતા ભાઈ ઝડપાઈ ગયા 

RFOએ કોન્ટ્રાકટર પાસેથી 5 લાખ ત્રણ હપ્તામાં લેવાનું નક્કી કર્યું પણ.....
symbolice image

Mysamachar.in-ભરૂચ:

રાજ્યનો સુનમુન રહેતો ફોરેસ્ટ વિભાગ ઝીણું ઝીણું કાતરવામાં કાઈ બાકી રાખતો નથી તેનું ઉદાહરણ ભરૂચ જીલ્લામાં સામે આવ્યું છે, અને આ વિભાગમાં કેવો સોલીડ ભ્રષ્ટાચાર થતો હશે તે ઉઘાડું પડી ગયું છે. ભરૂચ જિલ્લામાં વન વિભાગના 1.40 કરોડના નર્સરી તથા અન્ય બાંધકામ કરનારા કોન્ટ્રાકટર પાસેથી 25 લાખની મોટી રકમની લાંચની માગણી કરનારો નેત્રંગનો આરએફઓ 5 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો ગયો છે, 

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આરએફઓ તરીકે મુળ ઝંખવાવનો સરફરાજ ઉમરભાઇ ઘાંચી છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવે છે, વન વિભાગે નર્સરી તથા અન્ય બાંધકામ માટે ટેન્ડરો મંગાવ્યાં હતાં. જેમાં ફરીયાદીએ 2022માં ટેન્ડર ભર્યું હતું અને મંજૂર થતાં તેમણે કામગીરી કરી હતી. નર્સરી તથા અન્ય બાંધકામ માટે તેમણે વન વિભાગમાં 1.40 કરોડનું બિલ મંજૂરી માટે મુકયું હતું. આ બિલના સંદર્ભમાં તેમને વન વિભાગે 1.21 કરોડની ચુકવણી ચેક મારફતે કરી દીધી હતી પણ 19 લાખ જેટલી રકમ બાકી રાખવામાં આવી હતી. આરએફઓ સરફરાજ ઘાંચીએ આ બિલની રકમ મંજૂર કરતાં ચેક પર સહિ કરવા માટે કોન્ટ્રાકટર પાસે 25 લાખની ખુબ મોટી કહી શકાય તેવી લાંચ માગી હતી.

જેથી કોન્ટ્રાકટરે 25 લાખ આપવાની બાંહેધરી આપતાં તેણે ચેક પર સહિ કરી દીધી હતી અને તેના બદલામાં કોન્ટ્રાકટરે અધિકારીને 10 લાખ રૂપિયા આપી દીધાં હતાં અને બાકીના 15 લાખ 5 લાખના 3 હપ્તે આપવાનું નકકી કર્યું હતું. આરએફઓએ લાંચની બાકી રકમની ઉઘરાણી કરતાં કોન્ટ્રાકટરે એસીબીમાં જાણ કરી હતી જે બાદ ગત સાંજે અંકલેશ્વર-નેત્રંગ હાઇવે પર ઓમકાર કોમ્પલેકસ પાસે છટકું ગોઠવી સરફરાજ ઘાંચીને તેમની સરકારી ગાડીમાં જ 5 લાખની લાંચ લેતાં એસીબીએ ઝડપી પાડતા સમગ્ર જીલ્લામાં સરકારી કચેરીઓમાં સન્નાટો છવાઈ ગયો છે.