Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યમાં ઠંડીનો અહેસાસ તીવ્ર બન્યો છે. કચ્છનાં નલિયામાં તો ઠંડી ભૂક્કા બોલાવી રહી છે. પોરબંદર જેવાં આંગણે દરિયો ધરાવતાં શહેરમાં પણ કડકડતી ઠંડી નોંધાઇ રહી છે ત્યારે જામનગરમાં છેલ્લાં ત્રણ દિવસથી ઠંડીનો ટ્રેન્ડ ઉલટો જોવા મળે છે ! જામનગરમાં ઠંડીની વાત કરીએ તો, શુક્રવારે રાત્રે લઘુત્તમ તાપમાન નીચું નોંધાયું હતું. આ આંકડો 11 ડિગ્રી રહ્યો હતો. શનિવારે લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રી જોવા મળ્યો. અને કાલે રવિવારે લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી રહ્યું. આંકડા સિવાય હકીકતમાં પણ, શુક્ર થી રવિવાર દરમિયાન ઠંડીની એકંદર તીવ્રતા સહેજ ઘટી હતી. જે લઘુત્તમ તાપમાનના આંકડા સાથે સુસંગત રહી.
બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ગાત્રો થિજાવતી ઠંડી અનુભવાઈ રહી છે. કચ્છનાં નલિયામાં તો રવિવારે લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી થયું હતું. જેથી કચ્છમાં ઠંડીનો રાઉન્ડ તીવ્ર અહેસાસ આપી રહ્યો છે. પોરબંદર જેવાં દરિયાકિનારાના શહેરમાં કાલે રવિવારે લઘુત્તમ તાપમાન નીચું નોંધાયું. 10 ડિગ્રી થઈ ગયું હતું. આમ છતાં જામનગરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 12.5 નોંધાયું છે. રાજ્યમાં આગામી ચાર પાંચ દિવસ લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ નીચું રહેવા સંભવ છે એમ હવામાન વિભાગ કહે છે. મતલબ, ઠંડીનો આ રાઉન્ડ થર્ટી ફર્સ્ટ સુધી તો રહેશે જ.