જામનગર જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયા સામે ઉઠ્યો ફરિયાદોનો ધોધ

ધારાસભ્યએ તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની કરી માંગ

જામનગર જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયા સામે ઉઠ્યો ફરિયાદોનો ધોધ
file image

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા એસ.એલ.ડોડીયાની જ્યારથી જામનગરમાં નિમણુક થઇ છે ત્યારથી જીલ્લા શિક્ષણાધિકારી વધુ ચર્ચાના ચકડોળે ચઢી છે અને તેનું કારણ ભાઈ ડોડીયાના અણધડ નિર્ણયો અને તેમની સામે વિવિધ સ્તરોએથી ઉઠેલી ફરિયાદો છે. અને હવે તો છેક ખુદ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આ આપખુદશાહી વર્તતા શિક્ષણાધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે,

જામનગર શહેર માધ્યમિક આચાર્ય, શિક્ષક અને વહીવટી કર્મચારી સંઘએ સયુકત આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે, જીલ્લા શિક્ષણાધિકારી તેમના આપખુદશાહી વહીવટીથી કર્મચારીઓના અને શિક્ષણના પ્રશ્નોના નિરાકરણમાં ખુબજ વિલંબ કરે છે. તેઓ પ્રવાસી શિક્ષકની મંજુરી સમયસર આપતા નથી અને અન્ય કર્મચારીઓના રી-કોલ ઓર્ડરમાં વિલંબ કરે છે. તેમજ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને નિયમોનુસાર મળવા પાત્ર હકકો સમયસર આપવામાં આવતા નથી. તેઓએ સરકાર દ્રારા ગ્રાન્ટેડ શાળાઓને પ્રોત્સાહીત કરવા જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા પુરષ્કારના પરીણામની જાહેરાત પણ સમય મર્યાદામાં કરવામાં આવેલ ન હતી.

શાળાના કર્મચારીઓ વહીવટી કામ સબબ ધારાસભ્ય કે પ્રજાના પ્રતિનીધીને કામ માટે રજૂઆત કરે છે તો તેઓ કિન્નાખોરી રાખી કર્મચારીને નોટીસો પાઠવે છે.  જીલ્લા શિક્ષણાધિકારી મોટાભાગે શુક્રવાર બપોરબાદ, અને સોમવારે કચેરીએ હાજર રહેતા નથી. અને તેઓની હાજરી કચેરીમાં હમેશા અનિયમિત રહે છે. આમ જામનગર જીલ્લાના શિક્ષણાધિકારી મનસ્વી રીતે વહીવટ ચલાવે છે અને શિક્ષણના પ્રશ્નોને ટલે ચડાવી વિલંબમાં નાખે છે. તેઓનું વર્તન પણ આપખુદશાહી ભર્યું છે માટે તેઓને તાત્કાલીક અસરથી બદલવા જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે રજૂઆત કરી છે.