મનપાની એસ્ટેટ શાખાની પક્ષપાતપૂર્ણ કામગીરી અંગે કમિશ્નરને કરાઈ રજૂઆત 

ચોક્કસ લોકોનો તેમજ કોર્પોરેટરનો દોરીસંચાર.?

મનપાની એસ્ટેટ શાખાની પક્ષપાતપૂર્ણ કામગીરી અંગે કમિશ્નરને કરાઈ રજૂઆત 
file image

Mysamachar.in-જામનગર:
 
જામનગર શહેરમાં જે.એમ.સી.ની એસ્ટેટ શાખા રોડ ઉપરના દબાણો દુર કરવાની કામગીરી કરે છે તે સરાહનીય અને તેમની ફરજ છે પરંતુ આ ફરજમાં પક્ષપાત અને અમુક ચોકકસ લોકોનો તેમજ કોર્પોરેટરનો દોરીસંચાર જોવા મળી રહ્યો છે. એસ્ટેટ શાખા દ્વારા હાલમાં જે દબાણો દૂર કરવાની કામગીરી કરેલ છે તેમાં અમુક ચોકકસ વિસ્તાર અને લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર હુશેના અનવર સંઘાર દ્વારા કરવામા આવ્યો છે.એસ્ટેટ શાખા દ્વારા રેકડીઓની સાથે તેમનો વૈચાણનો માલ સામાન પણ જપ્ત કરવામાં આવે છે જેમાં મોટે ભાગે ખાદ્યસામગ્રી હોય છે જે સમય મર્યાદામાં બગડી જાય છે. આ રીતે માલ સામાન બગડી જતાં જે તે પાર્ટીને નુકશાન થાય છે. આ અંગે રોકડ, હાજર દંડ ભરાવી માલ સામાન તેમજ રેકડી છોડી મુકવી બધી રીતે યોગ્ય રહેશે. આ રેકડીઓ એસ્ટેટ શાખા દ્વારા જે રીતે પોતાના વાહનમાં જપ્ત કરીને લાવવામાં આવે છે તેમાં ગેરવ્યવસ્થાને કારણે રેકડીધારકોને વ્યાપક નુકશાન થતું હોય છે. આજના આ મોંઘવારી અને કોરોના કાળના સમયમાં લોકો પોતાની આજીવિકા માટે નાના મોટાં કામો અને ધંધા રોજગાર કરતા હોય છે ત્યારે આ પ્રકારની નુકશાની તેમના માટે મુસીબતરૂપ બને છે.


 
શહેરના એવા અનેક વિસ્તારો છે જેવા કે ત્રણબતી, બેડી ગેઈટ, હવાઈચોક, ખંભાળીયાનું નાકું, પ્લોટ પોલીસ ચોકી, પવનચકકી, ખોડીયાર કોલોની, સરૂસેકશન રોડ, લાલ બંગલો, ગુલાબનગર વિગેરે ઉપર અનેક પ્રકારના દબાણો છે અને અહિંની સ્થાનિક જનતા આ પ્રકારના દબાણોથી કંટાળી ગઈ છે તેમ છતાં એસ્ટેટ શાખા દ્વારા આ વિસ્તારોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેની પાછળ ક્યા કારણો જવાબદાર છે તે જાણવું જરૂરી છે. આ ઉપરાંત અમુક ચોકકસ વિસ્તારોમાં આ પ્રકારના દબાણોને જે તે કોર્પોરેટરો દ્વારા પીઠબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.અમુક વિસ્તારોમાં આવા પાથરણાવાળા, રેકડીવાળા તેમજ દબાણકર્તાઓ પાસેથી અમુક કોર્પોરેટરો કે અમુક ચોકકસ વ્યક્તિઓ દ્વારા હપ્તા લેવામાં આવી રહ્યા છે તેવું અમોને જાણવા મળેલ છે. જયારે આ દબાણકર્તાઓ હપ્તો દેવાની ના પાડે છે ત્યારે આ જ લોકો દ્વારા એસ્ટેટ શાખાના માધ્યમથી તેઓને હેરાન પરેશાન કરવાના ઈરાદાથી  દુર કરવાની કામગીરીનું નાટક ક૨વામાં આવે છે જયારે દબાણકર્તાઓ અને જે તે લેભાગુ ઈસમો વચ્ચે સમાધાન થઈ જાય અને હપ્તાઓ ચાલુ થઈ જાય ત્યારે તેઓને દબાણની છુટ મળી જાય છે અને આ જ જગ્યાએ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં એસ્ટેટ શાખાને શરમ આવે છે.

શા માટે શહેરના દરેક વિસ્તારમાં થયેલ દબાણોને દુર કરવામાં આવતાં નથી?શા માટે એસ્ટેટ શાખા અમુક ચોકકસ વિસ્તારોમાં અમુક ચોકકસ સમયે જ દબાણ દૂર કરવાની કામગીરી કરે છે.? સરૂસેકશન રોડ, પંચવટી અને એમ.પી.શાહ ઉધોગનગર મેઈન રોડ ઉપર થઈ રહેલ રોડ ઉપરના દબાણો અંગે હાલમાં જ અરજી કરેલ છે પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી કે મને કોઈ જવાબ મળેલ નથી. શહેરમાં ટ્રાવેલ્સો, કંપનીઓ વિગેરેની બસો અને અન્ય ભારે વાહનો રોડ ઉપર તેમજ જાહેર સ્થળોએ પાર્ક કરેલ હોય છે તેની સામે કોઈ કાર્યવાહી હતી નથી. લાલબંગલા જેવા શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં એસ્ટેટ વિભાગના બહાદુરો આંખ મીચામણા કરે છે. આવી અનેક બાબતો છે જે સુચવે છે કે એસ્ટેટ શાખાની કામગીરી પક્ષપાતપૂર્ણ અને કોઈ ચોકકસ લોકોના દોરીસંચારથી થઈ રહી છે.


 
-ભૂતકાળ ગમે તેવો હોય ભવિષ્ય ફરી સારું બનાવવાની વધુ એક તક...

કોર્પોરેશનમાં  આમ તો અનેક કૌભાંડો ધરબાયેલા છે અને કાગળ ઉપર કંઇક સ્થળ ઉપર કંઇક હોય પરંતુ કોઇ ઠોસ તપાસ નહી થતી હોવાના અનેક ઉદાહરણો છે કેમકે અનેકના અવળા સવળા હિત હોય છે તેમાં સૌ સચવાતા પણ હોય છે માટે કોઇ કદાચ અંગુલી નિર્દેશ કરે વિગત માંગે તો સમજાવી દેવાય છે પરંતુ કોને ખબર કેમ બાર વર્ષ પહેલા એસ્ટેટ શાખા દ્વારા કારખાના લાયસન્સ આપવાની બાબતે દુકાન ખુલેલી તે કૌભાંડ તપાસના અંજામ સુધી પહોંચ્યુ હતુ. પાણાખાણ દિગ્વીજય પ્લોટના છેડે ઉદ્યોગનગરના શરૂઆતના વિસ્તાર વગેરેમાં કારખાના લાયસન્સ ગેરકાયદે આપવાનુ ચોક્કસ ભાવ તાલ સાથેનુ સુવિધા કેન્દ્ર શરૂ થયેલુ હતુ જેમાં ખોટા સાચા સોગંદનામાઓ ડોક્યુમેન્ટસ વગેરે રજુ કરવા પડે તે તમામ સુવિધાઓ એક બારી પદ્ધતિની જેમ કોર્પોરેશનના જે ત્રણ ચાર મળતીયાઓએ શરૂ કરી હતી કારખાના લાયસન્સની લ્હાણી કરેલી જેના ઘણા લાભાર્થીઓ હજુ અનટચ છે આ સમગ્ર કૌભાંડ બાદમાં ખુલ્લુ પડ્યુ અને જે જોવા જેવી થઇ કે ફોજદારી થઇ લગત એવાઓની ધરપકડ થઇ જેલ થઇ જામીન થયા સસ્પેન્ડ થયા જોકે કોર્પોરેશનમા સરળતા છે જેને સાચવવાના હોય તેવાને સાચવી લેવાની કળા હોય અને ભોગ બનનાર ભવિષ્યમાં દુઝણી ગાય બનવાની હોય તેવી લાયકાતો ધરાવતા હોય તો પરત લેવડાવવાની પૈરવી થાય અને આવુ કરવાના પણ ઘણા રસ્તા હોય છે માટે સૌ સારાવાના ફરી થયા છે.