જામનગર દુષ્કર્મની ઘટનાઓને લઈને બની રહ્યું છે બદનામ, સગીરા પર દુષ્કર્મ અને પિતાનો આઘાતમાં આપઘાત

દુષ્કર્મ ગુજારનાર આરોપી ફરાર થયો હોવાથી પોલીસ દ્વારા ચોતરફ શોધખોળ

જામનગર દુષ્કર્મની ઘટનાઓને લઈને બની રહ્યું છે બદનામ, સગીરા પર દુષ્કર્મ અને પિતાનો આઘાતમાં આપઘાત
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લો દુષ્કર્મની ઘટનાઓને લઈને બદનામ બની રહ્યો હોય તેમ લાગે છે, તાજેતરમાં જ જામનગરના યાદવનગર વિસ્તાર નજીક ચાર નરાધમોએ સગીરાને પીંખી નાખ્યાની ઘટના નજર સમક્ષ છે, ત્યાં જ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના એક ગામમાં રહેતી એક સગીરા પર બાજુના જ ગામમાં વસવાટ કરતા એક શખ્સ દ્વારા ધાકધમકી આપી બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે, તો પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની તેના પિતાને જાણ થઈ જતાં પિતાએ પણ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. મોટી કરુણાંતિકા સર્જાઈ છે,

મળતી વિગતો પ્રમાણે  જામજોધપુર તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરા કે જે હાલ પુખ્ત વયની થઈ છે, પરંતુ આજથી છ માસ પહેલા તેણીને છરીની અણીએ ધમકી આપી બાજુના જ વિલાસપુર ગામમાં રહેતો અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામનો શખ્સ કે જેણે બે વખત સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો, અને બનાવ અંગેની કોઈને જાણ કરશે તો તેના ભાઈ તથા પિતાને મારી નાખશે, તેવી ધમકી આપી હતી. તેથી ડરના કારણે સગીરા જે તે વખતે ચૂપ રહી હતી, પરંતુ તાજેતરમાં સગીરાના પિતાને દુષ્કર્મ અંગેની જાણકારી મળી ગઈ હતી,

જેથી તેઓ આઘાતમાં સરી પડયા હતા અને પિતાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા નું પગલું ભરતાં તેને સૌ પ્રથમ સારવાર માટે ઉપલેટા અને ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું  મોત નીપજ્યું હતું, જે આત્મહત્યા ના બનાવની જામજોધપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી, અને સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું માલુમ પડતા આખરે આજે જામજોધપુર પોલીસ મથકમાં આરોપી અશ્વિન ભીમશીભાઇ વાઢીયા સામે દુષ્કર્મ પોસ્કો સહિતની કલમો મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી છે.