My samachar.in:-જામનગર
જામનગરના પ્રદર્શન મેદાન ખાતે પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજનમાં આજે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા, મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં રત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કથાના માધ્યમથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું..
જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત કથા પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી આરતિ સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી.મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભક્તજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ કઈ રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર પ્રજાની સાથે રહી નાનામાં નાની મુશ્કેલીમાં પણ હરહંમેશ મદદરૂપ થવા તૈયાર છે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના આંગણે ભાગવત સપ્તાહના સુંદર આયોજન બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ વ્યાસપીઠ પર બિરાજેલ પૂજ્ય રમેશભાઇ ઓઝા પાસેથી આશીર્વચન ગ્રહણ કર્યા હતા તેમજ સ્થાનિક આગેવાનો તથા આયોજકોએ મુખ્યમંત્રીનુ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિન્હ એનાયત કરીને સન્માન કર્યું હતું.આ પ્રસંગે શ્રી વલ્લભ બાવા, શ્રી શેરનાથ બાપુ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ.