ખેડૂતોની આવક બમણી થવા અંગે કૃષિમંત્રીએ કહ્યું કે....

કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નનો જવાબ આપતાં રાઘવજીભાઈ પટેલ....

ખેડૂતોની આવક બમણી થવા અંગે કૃષિમંત્રીએ કહ્યું કે....
Symbolice image

Mysamachar.in:ગાંધીનગર

ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતોની આવક બમણી થયાના દાવાઓ અવારનવાર થતાં રહે છે પરંતુ વિધાનસભામાં બહાર એવું આવ્યું છે કે, ખેડૂતોની આવક માપવા અંગે કોઈ જ વ્યવસ્થા તંત્ર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતું જ નથી. આવકના અંદાજો મેળવવા કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી જ ન હોય તો, આવક અંગે કોઈ કયા આધારે દાવો કરી શકે ?! એ પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ આ સંબંધે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. જેનો વિસ્તૃત જવાબ કૃષિમંત્રીએ આપ્યો છે. ચાવડાએ પૂછયું હતું કે, 31 માર્ચ, 2023ની સ્થિતિએ રાજયના ખેડૂતોની આવક બમણી કરવા સરકારે 2022માં શું પગલાં લીધાં ? આ લક્ષ્યાંક સિદ્ધ થયો હતો કે કેમ ? જો ટાર્ગેટ પાર ન પડયું હોય તો તેની પાછળના કારણો શું રહ્યા ?

વિધાનસભામાં કૃષિમંત્રીએ જવાબ આપતાં કહ્યું કે, વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવા સરકારે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી તેમજ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડી અને સઘન વિસ્તરણ પ્રવૃતિઓ દ્વારા વિવિધ પગલાં લીધાં છે. સરકાર કૃષિના વિવિધ આયામોમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. તેઓએ આ જવાબમાં એમ પણ કહ્યું કે, ખેડૂતોની આવક ગણતરી કરવા કોઈ વ્યવસ્થા તંત્ર નથી તથા નાણાંકીય વર્ષ 2022-23 પૂર્ણ થયેલ ન હોય, રાજયની કોઈ આંકડાકીય માહિતી પ્રસિદ્ધ થઈ શકી નથી. પરંતુ કૃષિ ક્ષેત્રનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન વધ્યું છે.