જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની વરણી

કાલાવડ અને જામજોધપુર તાલુકા પંચાયતો તથા સિક્કા પાલિકામાં પક્ષપલટાએ 'ખેલ' પાડયો..

જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની વરણી

Mysamachar.in:જામનગર

રાજયની અન્ય કેટલીક જિલ્લા પંચાયતોની સાથે-સાથે જામનગર જિલ્લા પંચાયત તથા જિલ્લાની તાલુકા પંચાયતો તથા પાલિકાઓમાં પણ પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થઈ હોય, નવા પદાધિકારીઓની વરણીઓ થઈ રહી છે. મોટાભાગની સંસ્થાઓમાં મુખ્ય બે પદાધિકારીઓની વરણીઓ બિનહરીફ રહેવા પામી છે. આજે તેરમી સપ્ટેમ્બરે જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીઓ બિનહરીફ કરવામાં આવી છે.

આ ટર્મમાં પ્રમુખપદ અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત હોવાથી જિલ્લાની ગીંગણી બેઠકના શાસકપક્ષના જિલ્લા પંચાયતના સદસ્યા મેયબેન ગળચર (રબારી)ને આ પદ પર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. કારણ કે અનુસૂચિત જનજાતિના તેઓ એકમાત્ર ઉમેદવાર છે. તેઓની સાથે-સાથે ઉપપ્રમુખપદ પર હસમુખ છગનભાઈ કણઝારિયાની પણ બિનહરીફ વરણી થવા પામી છે. આ બંને પદાધિકારીઓએ આજે બપોરે પદગ્રહણ કર્યું. જિલ્લા પંચાયતના સભાખંડમાં તેઓની આ વરણીઓને સૌએ ફૂલડે વધાવી લીધી હતી. અને તેઓએ વિધિવત રીતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતનાઓની હાજરીમાં પદભાર સંભાળી લીધાં.

આ બંને મુખ્ય પદો ઉપરાંત વહીવટી અને નાણાંકીય દ્રષ્ટિએ સૌથી મહત્વના એવા કારોબારી ચેરમેનપદ પર ચંદ્રિકાબેન અઘેરાની પસંદગી કરવામાં આવી છે. તેઓ પંચાયતની કામગીરીઓથી સુપેરે પરિચિત છે. આ સાથે શાસકજૂથ નેતા તરીકે શાસકપક્ષ દ્વારા જગદીશ સંઘાણીની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાની વિવિધ 6 તાલુકા પંચાયતો તથા સિક્કા નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદો પર પસંદગીઓ અને વરણીઓ થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર જિલ્લો કબજે કરી લીધો છે.

જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સંગીતાબેન દૂધાગરા અને ઉપપ્રમુખ તરીકે કેશુભાઈ લૈયાની બિનહરીફ વરણીઓ થઈ છે. ધ્રોલ તાલુકા પંચાયતમાં ભાજપા પક્ષ માટે કામ આસાન રહ્યું. પ્રમુખ તરીકે ભાવનાબેન શિયાર અને ઉપપ્રમુખ તરીકે રાજેશ્રીબા જાડેજાની બિનહરીફ વરણીઓ થઈ છે. જોડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રસીલાબેન ચનિયારા અને ઉપપ્રમુખ તરીકે મંગાભાઈ ધ્રાંગિયાની બિનહરીફ વરણીઓ થઈ છે. લાલપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પ્રવિણસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે જીવીબેન નંદાણીયાની બિનહરીફ વરણીઓ થઈ છે.

-કાલાવડ-જામજોધપુર અને સિક્કામાં કબજો જમાવતી ભારતીય જનતા પાર્ટી

આજે જિલ્લા પંચાયત તથા 6 તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકામાં પોતાના પદાધિકારીઓને વિજય અપાવી જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરાએ કહ્યું કે, જિલ્લાની આ આઠેય સંસ્થાઓ પર અમારો કબજો થયો આ અંગેની વધુ વિગતો આપતા મુંગરાએ જણાવ્યું કે કાલાવડ તાલુકા પંચાયતમાં BJP પાસે મતબળ ન હતું. 18 પૈકી માત્ર 8 સભ્યો જ હતાં. છતાં એક મતની બહુમતીથી તેઓએ આ પંચાયત કબજે કરી લીધી છે અને પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન પાનસુરિયા અને અને ઉપપ્રમુખ તરીકે અસ્મિતાબા જાડેજાનો વિજય થયો છે.

જામજોધપુર તાલુકા પંચાયતમાં પણ ભાજપા પાસે મતબળ ન હતું. 18 પૈકી માત્ર 8 જ સભ્યો હોવા છતાં પાર્ટીએ આ પંચાયત પણ કબજે કરી લીધી છે અને પ્રમુખ તરીકે જશુબેન રાઠોડ તથા ઉપપ્રમુખ તરીકે દેવાભાઈ પરમાર વિજયી થયા છે. આ ઉપરાંત સિક્કા નગરપાલિકામાં બીજેપી પાસે કુલ 28 પૈકી માત્ર 12 સભ્યો હતાં. 14 કોંગ્રેસ અને 2 NCP સભ્યો હતાં. આમ છતાં BJP ના પ્રમુખપદના ઉમેદવાર રાજીબેન પરમારને 22 મત મળતાં તેઓ મોટી બહુમતીથી વિજયી થયા. ઉપપ્રમુખ તરીકે શિવપુરી ગોસ્વામીનો વિજય થયો છે. કોંગ્રેસના 14 પૈકી 8 સભ્યો અને NCPના બે સભ્યો ભાજપાની છાવણીમાં બેસી ગયા.