જામનગરમાં યોજાનારી 41મી શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો શું હશે વાંચો 

કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા વ્યસન મુકિતની અપીલ કરાઇ

જામનગરમાં યોજાનારી 41મી શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો શું હશે વાંચો 

Mysamachar.in-જામનગર:

 મહાશિવરાત્રી પર્વે નગર પરિભ્રમણ કરનારી શિવ શોભાયાત્રામાં આયોજક સંસ્થા દ્વારા પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. આ વર્ષે સવિશેષ આકર્ષણ ભગવાન શ્રી આશુતોષજીની મુખ્ય પાલખીનું જ રહેશે. કારણ કે, જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ દ્વારા અર્પિત રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુધ્ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. શિવ શોભાયાત્રામાં જોડાતી પાલખીમાં બિરાજમાન શિવજીના આશુતોષ સ્વરૂપની પ્રતિમા પ્રત્યે ભકતજનો વિશેષ આસ્થા ધરાવતા હોય છે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે તાજેતરમાં શુધ્ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્યા છે.

મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટબલ ટ્રસ્ટને ભાવિકો દ્વારા ધરવામાં આવેલી રકમ ઉપરાંત જામનગરના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના આર્થિક યોગદાનથી સુવર્ણનું ત્રિશૂલ, ડમરું,ઉપરાંત સંસ્થા દ્વારા  એકત્રિત કરાયેલી નીધી માંથી લલાટમાં ત્રીજું નેત્ર તેમજ શેષનાગ આશુતોષ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મસમોટું સુવર્ણનું છત્ર શિવાર્પણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિની સાથે સુવર્ણ મઢીત રૂદ્રાક્ષની માળા તથા કુંડળ પણ અર્પણ કરાયેલા છે, જેની સાથે સાથે આ વખતે આશુતોષજી મહાદેવની સંસ્થા તરફથી સુવર્ણ યજ્ઞોપવિત (જનોઇ) તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત આ વખતે સ્વ. હરિભાઈ ગોકળભાઈ કાનાણી, અને ગંગાસ્વરૂપ રમાબેન હરેશભાઈ કાનાણી દ્વારા સોનાના કુંડળ તૈયાર કરીને સંસ્થાને અર્પણ કરાયા છે, જે પણ પાલખી સાથે શિવજીને શણગાર કરાશે. પ્રથમ વખત શિવશોભા યાત્રામાં સમગ્ર સુવર્ણ અલંકારોથી સજ્જ કરીને આશુતોષજીના સ્વરૂપે દર્શનાર્થે મુકવામાં આવશે, આ શિવરાત્રીએ જામનગરના શિવ પ્રેમી ભકતગણ સુવર્ણ અલંકારોથી સજ્જ શિવજીના દર્શન નિહાળી ગદગદ થશે.

-કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા વ્યસન મુકિતની અપીલ કરાઇ

છોટીકાશીમાં છેલ્લા 40 વર્ષથી હિન્દુ ઉત્સવ સમિતી અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શિવ શોભા યાત્રા અને રામસવારી યોજાય છે. જે હિન્દુ ઉત્સવ સમિતીના અધ્યક્ષ તરીકે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભજદાસજી મહારાજ અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે, અને આ વર્ષે 41મી શોભા યાત્રા યોજાવા જઇ રહી છે, ત્યારે શોભાયાત્રાની પુર્વ તૈયારીના ભાગ રૂપે આખરી ઓપ આપવા માટેની એક બેઠક રામદુત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાઇ હતી, જેના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે તમામ શિવ ભકતોને આશિર્વચન પાઠવ્યા હતા, અને શિવશોભા યાત્રામાં ઉત્સાહભેર જોડાવવા માટે સર્વેને આહવાન કર્યું હતું. સાથો સાથ શિવરાત્રીના મહા પર્વના દિવસે શોભાયાત્રામાં જોડાનારા તમામ શિવ ભકતોએ પોતાના કોઇને કોઇ વ્યસન છોડવા માટે અપીલ કરી હતી, અને શિવરાત્રિના સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ નાનામોટા વ્યસનો થી દુર રહેવા આહવાન કર્યું હતું. જેમાં મોટા ભાગના શિવભકતોએ સહમતી દર્શાવી હતી.

-શિવ શોભાયાત્રા દરમ્યાન દિપક ટોકીઝ પાસે થશે કોમી એકતાના દર્શન

છોટી કાશીમાં આગામી 41 મી શિવ શોભા યાત્રા દરમ્યાન દિપક ટોકીઝ પાસે શિવ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સાથો સાથ લંઘાવાડના ઢાળીયા પાસે પણ શોભા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. સ્થાનિક મુસ્લીમ અગ્રણી અલુ પટેલ અને જામનગરના પોલીસ વિભાગના નિવૃત એ.એસ.આઈ. યુનુસ શમા અને તેમની ટીમ દ્વારા દિપક ટોકીઝ વિસ્તારમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે, તેમજ તમામ શિવ ભકતો માટે ચા-પાણીની વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવશે અને કોમી એકતાનું ઉદાહરણ પુરૂં પડાશે.આ ઉપરાંત નિવૃત એ.એસ.આઇ. યુનુસ સમા દ્વારા ભગવાન આશુતોષજીની પાલખીનું પુજન કરાશે અને તેઓ દ્વારા ભગવાન શિવજીને રૂા. 11,111ની ચલણી નોટોનો હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. તેમજ મુસ્લિમ અગ્રણી અલુ પટેલ દ્વારા પણ રૂપિયા 5100 ની ચલણી નોટોનો હાર ભગવાન શિવજીને પહેરાવીને વિશેષ સ્વાગત કરાશે. જેથી આ વખતની શિવશોભા યાત્રામાં કોમી એકતાના દર્શન થશે.

-શોભા યાત્રામાં શિવજીના પ્રતિક ચાર ડમરુ અને ઝાંઝ(જાલર) નો નાદ પણ ગુંજશે

શિવ શોભાયાત્રા દરમિયાન ભગવાન શિવજીની પાલખીની સાથે આ વખતે નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. જામનગરના હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ, વગેરે દ્વારા ભગવાન શિવજીને અતિપ્રિય એવા ચાર ડમરુ તેમજ ચાર ઝાંઝ(જાલર) મહાદેવ હર મિત્ર મંડળ ને અર્પણ કરાયા છે, જે ભગવાન શિવજી ની પાલખી સાથે જોડીને તેનો નાદ પણ કરવામાં આવશે. જે પણ શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર  બનેલું રહેશે.

 -ગિરનારી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા 24 ફૂટ લાંબી શિવલિંગના દર્શનની ઝાંખી ઉભી કરાઈ

જામનગરમાં ભાટની આંબલી નજીક ગિરનારી ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ નવા આકર્ષણો ઉભા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે શિવ શોભાયાત્રા દરમિયાન શિવરાત્રીના પર્વને અનુલક્ષીને 24 ફૂટ લાંબી શિવલિંગ ના દર્શનની અનેરી ઝાંખી ઊભી કરવામાં આવી છે. જેના દર્શનનો અનેરો લાભ લેવા માટે ગિરનારી ગ્રુપ દ્વારા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે, સાથોસાથ શિવ દર્શને આવનારા શિવભક્તો માટે ના શિવ રક્ષા કવચ નું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા શિવ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે.