Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં કીમતી જમીનો પચાવી પાડવા માટે કાવાદાવાઓ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવે છે, તાજેતરમાં જ ૩જી જુલાઈના રોજ લાલપુર બાયપાસ નજીક બિલ્ડર પર કુખ્યાત ભૂમાફિયા અને હાલ ફરાર જયેશ પટેલના ભાડુતી મારાઓ દ્વારા બિલ્ડરની હત્યા કરાવવાના કારસા અને ફાયરીંગ પ્રકરણમાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસતા ફરતા કુખ્યાત રજાક સોપારીના ભાઈને રાજકોટ રેંજ આઇજીની ટીમે વાક્નેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી પાડ્યો છે,
થોડાસમય પૂર્વે લાલપુર બાયપાસ પાસે ક્રિષ્નાપાર્કમાં બિલ્ડર ગીરીશ ડેર પર ત્રણ અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલ ત્રણ શખ્સોને તો અમદાવાદ એટીએસની ટીમે પકડી ઝડપી પાડ્યા હતા, જે શખ્સોને એટીએસ દ્વારા ઝડપી જામનગર પોલીસને સોંપવામાં આવ્યા હતા તેની રિમાન્ડ દરમિયાન જયેશ પટેલને ઇશારે જયેશે જ જામનગરના નામચીન રજાક સોપારી, તેના ભાઈ અને જસપાલસિંહની મદદથી આ ગુન્હાને અંજામ અપાવ્યો હોવાનું સામે ખુલ્યું હતું, ત્યારે આ ગુન્હામાં સંડોવાયેલા રજાક સોપારીનો ભાઈ હુસેન રાજસ્થાન તરફથી ટ્રકમાં બેસી જામનગર તરફ આવતો હોવાની ચોક્કસ હકીકતના આધારે રાજકોટ રેંજ આઈજી ટીમે ગઈ કાલે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવી હતી જેમાં ટ્રકમાંથી ઉતરેલ હુસેનને પોલીસે પકડી પાડ્યો હતો. મહત્વનું છે કે રજાક સોપારીના ભાઈ સામે અગાઉ જામનગરના જુદા જુદા પોલીસમથકોમાં અપહરણ, કાવતરું, ગેરકાયદેસર મિલકતમાં પ્રવેશ, લુંટ, હત્યા, હત્યાનો પ્રયાસ અને ધાક ધમકી, આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હાઓ પોલીસ ચોપડે બોલે છે.